ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણી પૂરી થઈ અને અપેક્ષાથી વિપરિત પરિણામો આવ્યા. પંચાયતમાં સામાન્ય રીતે કોંગ્રેસની પકડ હોવાથી એનો વિજય થશે એમ મનાતું હતું પરંતુ ભાજપની અપેક્ષા કરતાં પણ સારાં પરિણામોથી બધાંને આશ્ચર્ય થયું છે. શહેરોમાં ભાજપ હંમેશા જીતે છે અને એ સમજી શકાય એવી વાત છે પણ ગામડામાં પણ ભાજપની પહોંચ હોય એ પહેલીવાર જોવા મળ્યું. હવે નજર વિધાનસભાની ચૂંટણી પાંચ રાજ્યોમાં યોજાઇ રહી છે તેના પર છે. એમાં પણ ખાસ કરીને પ.બંગાળ પર. ત્યાં જ ભાજપને આશા પણ છે. તમિલનાડુમાં તો ભાજપ લઘુમતી પાર્ટનર છે. કેરળમાં તેનો દેખાવ સુધરે તો ઘણું. આસામમાં તો એ જીતી જશે. પુડુચેરીમાં તમિલનાડુની અસર થઈ શકે છે.
બંગાળમાં જે રીતનું વાતાવરણ ઊભું થયું છે કે કરવામાં આવ્યું છે એને ધ્યાનમાં લેતાં એવું કહી શકાય કે ભાજપ ત્યાં સામ, દામ, દંડ, ભેદ બધું જ કરી છૂટશે. બંગાળ પર ફોકસ કરવાનું કારણ શું ? ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભાજપનો દબદબો છે. દક્ષિણ ભારતમાં ગજ વાગે એમ નથી એટલે પૂર્વ ભારત તરફ નજર દોડાવી છે. બંગાળમાં ભાજપને સહજતાથી લાભ મળે તેમ છે. આથી બે વર્ષ પહેલાથી ભાજપે તૈયારી શરૂ કરી હતી.
ભાજપનો વિજય થશે એવો ઘણાને સવાલ થાય. એક સમયે કોંગ્રેસ આખા દેશમાં રાજ કરતી હતી. આજે ગણ્યા ગાંઠ્યા રાજ્યમાં જ કોંગ્રેસ જોવા મળે છે. ભાજપની લોકપ્રિયતા વધારવામાં કોંગ્રેસનો બહુ મોટો ફાળો છે. કોંગ્રેસની નિષ્ક્રિયતાને કારણે બીજા કોઈ વિકલ્પના અભાવે ભાજપને મત મળે છે. દેશના અન્ય પક્ષો પ્રાદેશિક છે. ભાજપને પડકાર માત્ર કોંગ્રેસ જ આપી શકે પણ અત્યારે કોંગ્રેસ મૃતપ્રાય સ્થિતિમાં છે. તેનો લાભ ભાજપને મળી રહ્યો છે.
કોંગ્રેસમાં સ્થિતિ સુધારવાનો ટોચની નેતાગીરીને પણ રસ નથી. નેતાઓ પક્ષ છોડે પછી ટિપ્પણી કરે છે. 23 નેતાઓએ પક્ષને સુધારવા માટે પત્ર લખ્યો તો બીજા નેતાઓએ ગાંધી કુટુંબ તરફની વફાદારી બતાવીને તેમની ટીકા કરી. મતલબ કે બોલવાનું નહીં. આશ્ચર્યની વાત એ છે કે ગાંધી કુટુંબ આ અંગે કંઈ વિચારતું જ નથી.
ભાજપ મોટા ભાગે આ કારણે જ બધે જીતે છે. એનું સંગઠન, કાર્યકરો, શિસ્ત વગેરે નોંધપાત્ર છે પણ જીતનું એ એકમાત્ર કારણ નથી. વિપક્ષની નિષ્ક્રિયતા પણ કારણભૂત છે. ભાજપ દરેક ચૂંટણીમાં અનેક પ્રયોગો કરે છે. તેનો એકમાત્ર આશય જીતનો જ હોય છે. સામે છેડે કોંગ્રેસ એવું લાગે છે કે હારવા જ મેદાનમાં ઉતરે છે.
પ્રચારની રીત, પક્ષના પ્રવક્તા, નેતા, એમની સુસજ્જતા , કાર્યક્રમ વગેરેને કારણે એ હંમેશા ચર્ચામાં રહે છે. કાર્યકરોની ફોજ તેને સફળ બનાવે છે. કોંગ્રેસમાં કાર્યકરો શોધવા પડે તેવી સ્થિતિ છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે તેમની હાલની પરિસ્થિતિ જોખમી છે. ભાજપ સામે ટકી રહેવાનું અને કોંગ્રેસ માટે ઊભા થવાનો પડકાર છે.
વેરાયટી
-લલિત દેસાઈ