દુનિયામાં વધી રહેલું ધ્વનિ પ્રદૂષણ ખરેખર માનવસમુદાય માટે જોખમી છે. તાજેતરમાં યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રસિદ્ધ એક અહેવાલમાં આ વિશે સવિસ્તાર વિગતો આપવામાં આવી છે. ધ્વનિ એટલે કે સાઉન્ડને ડેસિબલમાં માપવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનાં જણાવ્યા પ્રમાણે, 55 ડેસિબલથી વધારે સાઉન્ડ ઘોંઘાટ પેદા કરે છે અને તે સ્વાસ્થ્યને નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કાર અને ટ્રકનો આશરે 70થી 90 ડેસિબલ ઘોંઘાટ હોય છે. સાયરન અને પ્લેનથી 120 ડેસિબલ કે તેનાથી વધારે ધ્વનિ પ્રદૂષણ થાય છે. તાજેતરમાં 500 લોકો ઉપર પાંચ વર્ષ સુધી અભ્યાસ કરાયા બાદ તારણ નીકળ્યું છે કે, ધ્વનિ પ્રદૂષણથી હૃદયનું સ્વાસ્થ્ય બગડે છે. સાથે જ વધુ પડતો ઘોંઘાટ હૃદયની તકલીફ પણ વધારે છે. રિસર્ચમાં નોંધવામાં આવ્યું છે કે, ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે વધુ સમય રહેવું એ માણસને હ્રદય રોગની સમસ્યા આપી શકે છે. ખાસ કરીને ઘોંઘાટને કારણે હૃદયની સમસ્યા વધવાનું જોખમ રહે છે.
અભ્યાસ દરમિયાન માણસના બ્રેનનું સ્કેનિંગ કરાયું હતુ. જેના રિપોર્ટમાં ઘોંઘાટ વધવાથી તેમના બ્રેનમાં સ્ટ્રેસ, ડર અને ગભરામણ વધે છે તેને નિયંત્રણમાં કરવા શરીરના જે અવયવો કામ કરે છે તેના પર અસર થાય છે. જ્યારે સ્ટ્રેસ અને ગભરામણ વધે છે તો શરીર તેનાથી લડવા માટે એડ્રિનાલિન અને કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન રિલીઝ કરે છે. સ્ટ્રેસ અને ગભરામણની સ્થિતિમાં બ્લડ પ્રેશર વધી જાય છે, પાચન ક્ષમતા ઓછી થાય છે. શરીરમાં ફેટ અને સુગરનું સર્ક્યુલેશન ઝડપી બને છે. તેની સીધી અસર હાર્ટ પર પડતી હોય છે.
ટ્રાફિક અને પ્લેનથી થતા ઘોંઘાટની અસર જાણવા માટે રસ્તા અને એરપોર્ટના કિનારે રહેતા લોકો પર 5 વર્ષ સુધી રિસર્ચ કરાયું છે. સંશોધકોએ અભ્યાસને અંતે સ્પષ્ટ નિષ્કર્ષ કાઢ્યો છે કે, 24 કલાકમાં ધ્વિનીની માત્રા 5 ડેસિબલ કરતા વધે છે, તો પણ હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ 35% વધે છે. વધારે ઘોંઘાટને કારણે માનવ શરીરની ધમનીઓમાં સોજા આવી જાય છે. નવા રિસર્ચ પ્રમાણે, વધારે ઘોંઘાટમાં રહેવાથી ધમનીઓમાં સોજા આવવાની સમસ્યા વધી રહી છે. આવા સંજોગોમાં માણસના હૃદય પર દબાણ વધે છે. ધ્વનિ પ્રદૂષણની અસર ઊંઘ પર પડે છે. રાતે પ્લેનના ઘોંઘાટની સીધી અને ખરાબ અસર મેટાબોલિઝમ પર થાય છે.