ગુજરાત સહિત ભારતમાં કોરોના મહામારી સાથે સાથે અનેક કરુણાંતિકા અને ઘટનાઓ સર્જાઈ રહી છે. કોરોના કાળમાં કોઈ સ્વજન કે સગુ પણ પોતાના લોકોને જ મદદ ન કરી શકે તેટલી હદે લાચાર બન્યું છે. હાલમાં વધુ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. અહીં એક પિતા કોરોનામાં સપડાયા હતા તો તેની દીકરી સ્પેનમાં રહેતી હોવાથી તે પિતાની સારવારને લઈને ચિંતામાં મુકાઈ ગઈ હતી. રાજકોટથી જોજનો દૂર પુત્રી મદદ પિતાને સીધી મદદ કરવા માટે નિસહાયતા અનુભવી રહી હતી. રાજકોટમાં તેના પિતાની કાળજી લેવાવાળુ કોઈ ન હતું. તેથી કોરોનાગ્રસ્ત પિતાની સારવાર કોણ કરશે, કેવી રીતે કરશે ? તેવા સવાલો સતત તેને મુંઝવવા લાગ્યા હતા.
આ જ દરમિયાન રાજકોટ શહેર-2ના પ્રાંત અધિકારીનો મોબાઈલ નંબર તેણે શોધી કાઢ્યો હતો. જે પછી આ દિકરીએ સ્પેનથી ડે.કલેકટરને પિતાની અને પોતાની સમસ્યા વર્ણવી હતી. આખરે ડેપ્યુટી કલેકટર એક પુત્રીની વેદના સાંભળી હચમચી ગયા હતા. જે બાદ તેમણે અને તેમની આખી ટીમે પુત્રીની ચિંતા દુર કરીને રાજકોટ રહેતા તેણીના પિતાને જરૂરી તમામ સહાયતા કરી હતી. રાજકોટમાં રહેતા આ પિતાનું નામ યતિનભાઈ ક્રિષ્નચંદ શાહ છે. જેઓ કોરોનામાં સપડાયા બાદ તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જયાંથી તેઓને સમરસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, આ સમયે યતિમભાઈની સારસંભાળ રાખી શકે તેવું નજીકનું કોઈ સગુ ત્યાં ન હતુ. આથી સ્પેન રહેતી યતિમભાઈની દિકરી સ્વેતુબેન શાહે ડે.કલેકટર ચરણસિંહનો સંપર્ક કરી પિતા માટે રેમડેસીવર ઈન્જેકશન, ઓકસીજન સહિત તબીયત અંગે વાતચીત કરી હતી. સમરસમાં રહેલા ડોકટર અને કલેકટરની ટીમે યતિનભાઈની પુરેપુરી કાળજી લઈ તેની પુત્રીને સ્પેનમાં બેઠા-બેઠા રોજ વોટ્સઅપના માધ્યમથી માહિતી આપી હતી. આજે સ્વેતુબેનના પિતા સાજા થતા સમરસમાંથી રજા આપવામાં આવી હતી. બીજી તરફ સ્વેતુબેને કલેકટર તંત્રને આવા કપરા અને ખરાબ સમયમાં મદદરૂપ બનવા બદલ આભાર માની તેમની કામગીરીને બિરદાવી હતી.