અરબી સમુદ્રમાં રચાયેલા તૌકતે ચક્રવાતને કારણે દક્ષિણ ભારતમાં ભારે તબાહી જોવા મળી હતી. ઓછામાં ઓછા 6 લોકોના મોત થવા સાથે હવે તૌકતે મુંબઇને આંબી ગયું છે. મુંબઇમાં ભારે વરસાદ પડ્યો છે. આજે સાંજ સુધીમાં તે ગુજરાત પહોંચે એવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક દરમ્યાન તૌકતે વધુ શક્તિશાળી બની ઉત્તર – ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની આશંકા છે. 17મી મે એટલે કે સોમવારે તૌકતે ગુજરાતના કિનારા પર ત્રાટકે એવી સંભાવના છે. આ ચક્રવાત કલાકે 175 કિલોમીટરની ઝડપે ગુજરાતને પાર કરે એવી સંભાવના છે.
ચક્રવાતને કારણે મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો છે. હવે તે દક્ષિણ ગુજરાતના કિનારાને આંબે એવી સંભાવના છે. ગુજરાતમાં તૌકતેની અસરને ધ્યાનમાં લઇને કાંઠાના ગામોના લોકોને સ્થળાંતરિત કરાયા છે. કાંઠા વિસ્તાર તથા નીચા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં દોઢ લાખ લોકોને સ્થળાંતરિત કરાયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ચક્રવાત ઉત્તર તરફ આગળ વધી રહ્યું હોવાને કારણે પશ્ચિમ ભારતના રાજ્યો ગોવા અને કર્ણાટકમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે. દક્ષિણ ભારતમાં નોંધાયેલી 31 બોટનો કોઇ પત્તો લાગ્યો નથી.
હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે ચક્રવાતને કારણે કેટલાક સ્થળોએ દરિયાના પાણી ઘૂસી શકે છે. ભારે વરસાદ પડે તો કેટલાક નીચાણવાળા સ્થળોએ પાણી ભરાઇ જઇ શકે છે. 21મી સુધી રેલવે વ્યવહાર પણ ખોરવાયેલો રહી શકે છે. એમ તો સાવચેતીના પગલાંરૂપે રેલવેએ ઘણી ટ્રેનો રદ કરી દીધી છે કે કેટલીકના રૂટ ટુંકાવી દીધા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીએ પણ રવિવારે જુદા જુદા રાજ્યોની સાથે બેઠક યોજીને પરિસ્થિતિ પર નજર રાખી હતી. અત્યાર સુધીમાં 80 એનડીઆરએફ ટીમને તહેનાત કરાઇ છે. જો કે ચક્રવાત તેનો માર્ગ પણ બદલતું રહે છે. પરંતુ હવે જ્યારે મુંબઇમાં વરસાદ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતમાં વાદળિયો માહોલ છે. દક્ષિણ ગુજરાતમાં પણ રવિવારે સાંજે ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડ્યો હતો.