ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્ય નાથે ગત અઠવાડિયે જિલ્લા પ્રમુખોની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મેળવી હતી. જે બાદ શનિવારે યોજાયેલી બ્લોક પ્રમુખની ચૂંટણીમાં ૮૨૫માંથી ૬૪૦ બેઠકો ભાજપે જીતી હતી. આ સાથે જ યોગી આદિત્યનાથે યુપીમાં તેનો દબદબો હોવાનું પુરવાર કર્યું છે. આ સાથે જ યોગીએ રાષ્ટ્રીય ભાજપ સંગઠનને યુપીમાં તેનો વહિવટ પ્રજાભિમુખ હોવાનો પરોક્ષ સંદેશો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં કેન્દ્રમાંથી મોકલાયેલા શર્માને યુપીમાં સચિવ બનાવાયા ન હતા. આ મુદ્દે મોદી અને યોગી વચ્ચેનો મતભેદ ખુલ્લો પડી ગયો હતો. જે પછી હાલમાં બ્લોકપ્રમુખ માટે યોજાયેલી ચૂંટણીમાં મતદાન દરમિયાન રાજ્યના ૧૭ જિલ્લામાં ગોળીબાર, પથ્થરમારો અને મારપીટની ઘટના ઘટી હતી. ઇટાવામાં પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતુ. અહીં સિટી એસપીને ભાજપ કાર્યકર્તાએ થપ્પડ મારી દેતા વાત વણસી હતી.
દરમિયાન ઉત્તરપ્રદેશ બ્લોક પ્રમુખ ચૂંટણીમાં ૮૨૫ બેઠકો પૈકી ૩૪૯ બેઠક બિનહરીફ થઈ હતી. જેમાં ૩૩૪થી વધુ ભાજપી ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતા. જે બાદ બાકી રહેલી ૪૭૬ બેઠક માટે શનિવારે મતદાન યોજાયું હતું. મતગણતરી થતાં લખનઉ સહિત ૪૨ જિલ્લામાં ભાજપે ૩૧૮ બેઠકો પર જીત મેળવી લીધી હતી. આ ચૂંટણીમાં યુપીના બીજા ક્રમના ગણાતા પક્ષ સમાજવાદી પાર્ટીને ૫૧ બેઠકો મળી હતી. જયારે અપક્ષો તેના કરતા વધુ ૫૮ બેઠકો મેળવી ગયા હતા. બિજનોરમાં ૧૧ બેઠકો પૈકી ૧૦ બેઠક ભાજપને ફાળે ગઇ છે. જયારે આગ્રામાં ૧૫માંથી ૧૫ બેઠક પર ભાજપનો વિજય થયો હતો.