ગુજરાતમાં બિનહથિયારધારી ASIને પીએસઆઈ તરીકે બઢતી આપવા ૨૧ અને ૨૨ ડિસેમ્બરે ફિઝિકલ પરીક્ષાનું આયોજન કરાયું છે. આવા સમયે જ
અરજદાર ૫૪૦ ASIને આ ફિઝિકલ પરીક્ષા આપવા દેવામાં આવે તેવો હુકમ ગુજરાત હાઈકોર્ટે શનિવારે કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટમાં અપીલ થઈ હતી કે, રાજ્યના પોલીસ વિભાગમાં પીએસઆઈ માટેની ખાતાકીય બઢતી પરીક્ષા માટે ૨૬ જૂને પરિપત્ર બહાર પડાયો હતો. જેમાં સૌ પ્રથમ પહેલી ડિસેમ્બરે પરીક્ષાનું આયોજન હતુ. જેમાં દરેક જિલ્લા મથકે ઉમેદવારોને હાજર રહેવા તાકીદ કરાઈ હતી.
જો કે, તે પછી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી અને ડીસેમ્બરમાં ૨૧ અને ૨૨મીએ પરીક્ષાની જાહેરાત કરાઈ હતી. જેમાં પણ ઉમેદવારોને પોતના જિલ્લા મથકે હાજર રહેવા સુચના આપવામાં આવી હતી. સરકાર દ્વારા આ પરીક્ષા માટે જાહેર કરાયેલી અંતિમ યાદીમાંથી અનેક ASIના નામ ગાયબ હતા. જેનું કારણ સરકાર કે ગૃહવિભાગ જણાવતું ન હતુ. તેથી ઉમેદવારોએ વકીલ મારફતે ગુજરાત હાઈહોર્ટનું શરણુ લીધું હતુ. જેમાં એડવોકેટ મૌલિન પંડયાએ પણ રજૂઆત કરી હતી કે, વર્ષ ૨૦૧૬-૧૭માં તમામ અરજદારોએ ફિક્સ પગારમાં ASI તરીકે નોકરી સ્વીકારી હતી. તેથી તેઓને બઢતી માટે મળતા તમામ લાભ મળવાપાત્ર છે. નિયમ મુજબ જે પ્રથમ પરીક્ષા પાસ કરે તે સિનિયર ગણાય. હવે જો અરજદાર આ પરીક્ષા આપી ન શકે અને તેમના જુનિયર પરીક્ષા આપીને પાસ થાય તો, તે તેમને અન્યાય થાય તેમ છે. તેથી સરકારે જાહેર કરેલી યાદી રદ કરવી જોઈએ અને નવી યાદી બહાર પાડવી જોઈએ. વકીલની રજૂઆત બાદ કોર્ટે તમામ અરજદારોના નામ ઉમેરી ફિઝિકલ પરીક્ષા આપવા સરકાર આોજન કરે તેવો આદેશ કર્યો હતો. હવે વધુ સુનાવણી પાંચમી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવનાર છે. હાઈકોર્ટે આ કેસમાં તમામ પક્ષકારોને નોટિસ પાઠવી નિર્ણયની જાણ કરી દીધી છે.