નવસારી જિલ્લાના બીલીમોરાથી વઘઇ સુધી ચાલતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેન બે વર્ષથી બંધ પડી હતી. આ પંથકના લોકોની રજૂઆતોના પગલે હવે આ ટ્રેન ફરી શરૂ થઇ છે. આજે આ ટ્રેનને ફરી લીલી ઝંડી આપીને બિલીમારોથી રવાના કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતમાં ચાલતી મોટાભાગની નેરોગેજ ટ્રેનો ફાયદો રળતી ન હોવાથી બંધ કરી દેવામાં આવી હતી. સુરત જિલ્લાની કોસંબાથી ચાલતી ઉમરપાડા નેરોગેજ ટ્રેન અને નવસારીના બીલીમોરાથી ચાલતી વઘઇ સુધીની નેરોગેજ ટ્રેન બંધ કરી દેવાતા હજારો મુસાફરોને તકલીફ પડી રહી હતી. દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં જતી આ બંને ટ્રેનો લોકો માટે લાઈફલાઈન બની ગઈ હતી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજગારી મેળવવા માટે શહેરો સુધી પહોંચવા માટે મહત્વની બની ગઈ હતી. પરંતુ પેસેન્જરોની ઘટ અને ટિકિટો વેચાતી ન હોવાથી આ ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી.
બીલીમોરાથી વઘઇ સુધી ચાલતી નેરોગેજ ટ્રેન સ્થાનિક લોકોનો વિરોધ, ધારાસભ્યોની રજૂઆતો અને રેલવે વિભાગની સલાહકાર સમિતીની રજૂઆતોના પગલે હવે શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે લીલીઝંડી બતાવીને ટ્રેનને બીલીમોરાથી વઘઇ જવા માટે રવાના કરાવી છે. વર્ષોથી ચાલતી બીલીમોરા વઘઈ ટ્રેનમાં લોકો ડાંગ જિલ્લાના વઘઈથી નવસારીના બીલીમોરામાં સુધી માત્ર પંદર રૂપિયા જેટલી નાની રકમ રોજગારી માટે પહોંચતા હતા. પરંતુ ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. સાદી મુસાફરી 15 રૂપિયાની ટિકિટ ના બદલે 40 રૂપિયા કરવામાં આવી છે. સુરતના સાંસદ અને રેલવે મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન દર્શના જરદોશના આવ્યા પછી વધુ ટ્રેનો ગુજરાતમાં શરૂ કરવા માટેની માંગ શરૂ થઈ છે. જેમાં બીલીમોરાથી વઘઇ નેરોગેજ ટ્રેનને નાસિક સુધી લંબાવવા માટેની પણ કામગીરી શરૂ કરવા રજૂઆતો કરવામાં આવી છે.