ઇંગ્લેન્ડમાં શરુ થનારી ટેસ્ટ સીરિઝ મેચ રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ ત્યાં પહોંચી ગઈ છે. જો કે, સીરીઝનો આરંભ થાય તે પહેલાં જ ટીમ ઇન્ડિયાના 2 ખેલાડીઓ કોરોનામાં સપડાયા છે. આથી હવે આ બંને ખેલાડીઓના સીરીઝ રમવા સામે સવાલો ઉભા થયા છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ બબલમાં સામેલ થતા પહેલા ઈંગ્લેન્ડમાં પહોંચેલા તમામ ખેલાડીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ ખેલાડી પૈકી ઋષભ પંત સહિત 2 ખેલાડી કોરોના પોઝિટિવ નીકળ્યા છે.
આ ખેલાડીઓએ 3-4 દિવસ પહેલા જ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. હવે ઘટનાની જાણ થતાં જ બીસીસીઆઈએ ખેલાડીઓને સત્તાવાર રીતે કહ્યું હતુ કે, ભારતીય ટીમના દરેક ખેલાડીએ વાયરસના સંક્રમણથી બચવાનું છે. આ માટે તેઓએ કોવીડની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. ખેલાડીઓ વિમ્બલડન અને યુરો જોવા ના જાય. ઇંગ્લેન્ડ સામેની સીરિઝ પહેલા બે ખેલાડીઓ કોરોનામાં સપડાયા છે જે બાબત ચિંતાજનક છે. બંને ખેલાડીઓને ઠંડી લાગવી અને ખાંસી જેવા હળવા લક્ષણો જોવા મળ્યા હતા. અત્યારે બંનેની સ્થિતિ કાબૂમાં છે. પોઝિટિવ આવ્યા બાદ એક ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે બીજા પ્લેયરનો ટેસ્ટ 18 જુલાઈના કરવામાં આવશે. 18 જુલાઈના આઇસોલેશનમાં પ્લેયરનો દશમો દિવસ હશે. સૂત્રો પ્રમાણે રવિવારના બીજા ખેલાડીનો ટેસ્ટ થશે. નેગેટિવ આવવા પર જલદી તે ખેલાડી પણ ટીમના કેમ્પ સાથે સામેલ થશે. જો ટીમના પ્લાનની વાત કરીએ તો તમામ ખેલાડીઓ લંડનમાં ભેગા થઈ ગયા છે, તમામ હવે ડરહમ જશે. અત્યારે ખેલાડીઓ ઠીક છે, નિયમોનું પાલન કરી રહ્યા છે અને રેગ્યુલર તમામનો ટેસ્ટ કરવામાં આવનાર છે. જે 2 પ્લેયર્સ કોરોનામાં સપડાયા છે તેમાંથી એક ખેલાડી સાજો થયો છે. જ્યારે બીજા ખેલાડીની સારવાર ચાલી રહી હોવાથી તે પણ જલ્દીથી સાજો થઈ જશે.