લખીમપુર હિંસા કેસમાં ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. હાઈકોર્ટની લખનૌ બેંચે આશિષ મિશ્રાને જામીન આપી દીધા છે. આ મામલે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. કોર્ટે હવે ચુકાદો સંભળાવતા જામીન આપ્યા છે. આશા છે કે આવતીકાલ સુધીમાં આશિષ મિશ્રા જેલમાંથી બહાર આવી શકે છે.
ઉત્તર પ્રદેશ એસઆઈટીએ તાજેતરમાં લખીમપુર હિંસા કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 5000 પાનાની ચાર્જશીટમાં SITએ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું હતું. આટલું જ નહીં, SIT અનુસાર, આશિષ ઘટનાસ્થળે હાજર હતો. SITએ તેની તપાસમાં લખીમપુર હિંસામાં આશિષ મિશ્રાએ હથિયારોથી ફાયરિંગ કર્યું હોવાની પુષ્ટિ કરી હતી. આશિષ મિશ્રાની રિવોલ્વર અને રાઈફલથી પણ ફાયરિંગ થયું હતું. ચાર્જશીટમાં SITએ આશિષ મિશ્રા અને અંકિત દાસના લાયસન્સવાળા હથિયારોથી ફાયરિંગની વાત કરી હતી. જ્યારે આશિષ મિશ્રાએ કહ્યું હતું કે 1 વર્ષથી તેમના હથિયારોમાંથી કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું નથી. પોલીસે બેલેસ્ટિક રિપોર્ટના આધારે ફાયરિંગની પુષ્ટિ કરી હતી.
3 ઓક્ટોબર 2021ના રોજ લખીમપુરના ટિકુનિયામાં હિંસામાં 8 લોકો માર્યા ગયા હતા. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુએ પોતાની જીપ વડે ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ પછી રોષે ભરાયેલા ટોળાએ આશિષના ડ્રાઈવર સહિત ચાર લોકોની હત્યા કરી નાખી હતી. લખીમપુર હિંસા મામલે વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યું છે. વિપક્ષ પણ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી રહ્યો છે. પરંતુ હવે ચૂંટણીની વચ્ચે આશિષ મિશ્રાને જામીન મળી ગયા છે. આવી સ્થિતિમાં હવે વિપક્ષ આ મુદ્દાને કેવી રીતે ઉઠાવે છે તે જોવાનું રહેશે.