પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો ભવ્ય વિજય થયા બાદ 3 દિવસ સુધી વ્યાપક હિંસા થઈ હતી. જેમાં 17 લોકોના મોત થયા હતા. આ દરમિયાન ભાજપના કાર્યાલયોને પણ નિશાન બનાવાયા હતા. ચૂંટણીમાં ટીએમસીને 214 તથા ભાજપને 76 બેઠકો મળી હતી. જે બાદ પ્રદેશમાં વધેલી હિંસક ઘટનાઓને પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજયપાલ અને સરકાર પાસે રિપોર્ટ પણ માંગ્યો હતો. જો કે, રાજનીતી સમજતા મમતા બેનરજીએ તરત જ સ્થિતિ થાળે પાડવા પાર્ટી કાર્યકરોને શાંતિ જાળવવાની અપીલ કરી દીધી હતી. બીજી તરફ ભાજપ પણ પશ્ચિમ બંગાળમાં પોતોના કાર્યકરો કે હોદ્દેદારોને થતા નુકસાન અંગે ચિંતિત બન્યો છે. તેણે આ મામલે ગંભીરતાથી પગલા લેવાના શરુ કરી દીધા છે. તેથી તાજેતરમાં ચૂંટાઇને આવેલા ભાજપના તમામ ૭૭ વિધાનસભ્યોને કેન્દ્રનું સુરક્ષા કવચ આપવા નિર્ણય લેવાયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર અને ભાજપે આ અંગે વિસ્તૃત સમીક્ષા કરી છે. જેને અંતે ગૃહવિભાગે ભાજપના ૬૧ એમએલએને એક્સ કેટેગરી, ૧૫ને વાય કેટેગરી અને મમતાને હરાવનારા શુભેન્દુ અધિકારીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનું નક્કી કર્યું છે. એટલે હવે તમામ ૭૭ ધારાસભ્યો સાથે CISF, CRPFના જવાનો સુરક્ષા માટે તૈનાત કરાશે. આ પહેલાં ભાજપના ૭૦ નેતાઓને ૧૫ મે સુધી CISFની સુરક્ષા આપવામાં આવી છે. ભાજપ અને કેન્દ્રના આ પગલા બાદ ભાજપના નેતા, કાર્યકરો અને ધારાસભ્યોની સલામતી વધવાની આશા છે.