ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસના બેફામ સંક્રમણને કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. પખડવાડિયાથી દેશમાં ઈન્જેકશન, દવા અને ઓક્સિજનની અછત જેવી સમસ્યા દર્દીઓ સાથે જ સરકાર માટે સૌથી મોટી સમસ્યા રહી છે. કોરોના સંક્રમિત વ્યક્તિને એકમાત્ર પ્લાઝ્મા થેરાપીથી બચાવી શકાય છે. વળી, તબીબોના મતે કોરોના સંક્રમિત થયેલો વ્યક્તિ તેના નેગેટિવ થયાના ૧૫ દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. એક વ્યક્તિના પ્લાઝમા ડોનેટ કરવાથી અન્ય ૪ વ્યક્તિનું જીવન બચી શકે છે. ભારતની વર્તમાન પરિસ્થિતિમાં હવે પ્લાઝમાની અને લોહીની જરુરિયાત વધી શકે છે. કારણ કે કોરોના સંક્રમિતોનો આંકડો દરરોજ ચાર લાખ આવી રહ્યો છે. તેથી રકતદાતાઓની સંખ્યા ઘટી શકે છે. દેશમાં લોકો પ્લાઝ્મા ડોનેશન અને પ્લાઝ્મા થેરાપીથી અજાણ છે અને તેને કારણે પ્લાઝ્મા ડોનર મળે માટે લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અપીલ કરી રહ્યા છે. આથી આ અંગે સમાજમાં જાગૃતિ આવે તે માટે અમદાવાદ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોએ પહેલ કરી છે. સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી સંતોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. આપણાથી કોઇનો જીવ બચતો હોય તો આપણે તે કરવું જોઇએ તેવો સંદેશો પણ આ સંતોએ આપ્યો છે. કેટલાક સંતો આ વખતે કોરોનામાં સપડાયા હતા. જેઓ સાજા થઈ ગયા બાદ આચાર્યની અપીલને પહલે પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર થયા હતા. પ્લાઝમા અને કેટલાક સંતોએ લોહીનું દાન કર્યા બાદ કહ્યું હતુ કે, આ કપરી સ્થિતિમાં રક્તદાન માટે જાગૃતિ વધુ આવશ્યક બની છે. કોરોનામાંથી સાજા થઇ ગયા પછી ૧૪ દિવસ પછી બ્લડબેન્કમાં જઇ હિમોગ્લોબીન, બ્લડપ્રેશર અને એન્ટીબોડીની તપાસ કરાય છે. તેનો રિપોર્ટ સારો આવે એટલે પ્લાઝમા ડોનેટ કરી શકાય છે. માત્ર ૪૦ મિનિટની પ્રોસેસ પછી જે તે વ્યક્તિ તરત કોઇ પણ કામ કરી શકે છે. પ્લાઝ્મા ડોનેશનનું પ્રમાણ ઓછું છે કારણ કે, લોકોમાં કેટલીક મૂંઝવણ છે. પરંતુ તેમાં ચિંતાને કોઈ સ્થાન નથી. આપણે આવા કાર્યોથી મહામારીમાં અન્યને મદદરુપ બની શકીએ છીએ.