તાઉ તે વાવાઝોડાની અસર સોમવારે મહારાષ્ટ્રમાં મોટાપાયે વર્તાય હતી. અરબી સમુદ્રમાં ઉદભવેલું આ વાવાઝોડુ મહારાષ્ટ્રના દરિયામાં થઈને ગુજરાત તરફ આગળ વધ્યું હતુ. આ વખતે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાઉ તે વાવાઝોડાની અસર સોમવારથી વર્તાઈ હતી. કેરળ, કર્ણાટક બાદ તોઉ તે વાવાઝોડાએ સોમવારે મહારાષ્ટ્રને ઘમરોળ્યું હતું. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ તૂટી પડ્યા હતો. આ ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં તોફાની પવન ફુંકાતા નુકસાન થયું હતુ. તૌકતેના પગલે મહારાષ્ટ્રના કોંકણ જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે તોફાની પવનો ફુંકાયો હતો. આ સંજોગોમાં દરિયામાં ગયેલી હોડીઓ ફસાઈ હતી. તેમાંથી બે હોડીઓ ડૂબી ગઈ હતી. જેમાં સવાર છ લોકોનાં ડૂબી જતા મોત નિપજ્યા હતા. સ્થાનિક કોસ્ટ ગાર્ડ દ્વારા પણ બે હોડીઓ ડૂબવાની ઘટનાને સમર્થન અપાયું છે.
તોફાની વરસાદને કારણે મુંબઈ પંથકમાં આવેલા પરા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એકલા મહારાષ્ટ્રમાં વાવાઝોડાને કારણે ઝાડ જમીનદોસ્ત થવા અને પૂરમાં તણાઈ જવાની ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. નવી મુંબઈમાં ત્રણ, રાયગઢમાં બે, જલગાંવમાં બે તથા સિંધુદુર્ગ અને માહિમમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. મુંબઈમાં ૧૮૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા દરિયામાં ૧૩ ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. પરિણામે કાંઠા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે મુંબઈમાં રસ્તા, રેલવે અને હવાઈ સેવા પણ ઠપ થઈ ગઈ હતી. આ ઉપરાંત એરપોર્ટ ઉપર પાર્ક કરેલા વાહનો અને અન્ય એરલાઈન્સના પ્લેન ફંટાઈ ગયા હતા. જેને પહલે મોડી રાત સુધી ફ્લાઈટનું સંચાલન બંધ કરવાની નોબત આવી હતી.
બીજી તરફ વાવાઝોડું આગળ નીકળી ગયું હોવા છતાં કેરળ, કર્ણાટક અને ગોવામાં સાઈક્લોનિક સિસ્ટમને પગલે મોટા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. કેરળના કાંઠાના વિસ્તારોમાં હજી પણ તોફાની પવન સાથે વરસાદ થઈ રહ્યો હોવાથી વીજસેવા ખોરંભે પડી છે.
કર્ણાટકમાં ૩૩૩ મકાનો, ૬૪૪ થાંભલા, ૧૪૬ વીજ ટ્રાન્સફોર્મર્સ, ૫૭ કિ.મી. જેટલી સડક, ૫૭ જાળ, ૧૦૪ હોડીઓને નુકસાન પહોંચ્યું હતુ. કુદરતી આફતને પગલે વડા પ્રધાને ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. કર્ણાટક અને ગોવામાં પણ સોમવારે રાત્રે તોફાની પવનોને કારણે કાચા મકાનો, વૃક્ષો અને વીજળીના થાંભલા તૂટી પડયા હતા. ગોવામાં ૧૦૦થી વધુ મકાનો તૂટી પડયાંના અહેવાલો છે. કર્ણાટકમાં ૧૨૧ ગામ ચક્રવાતથી પ્રભાવિત થયા છે. અહીં ૫૪૭ લોકોને સવારે રેસ્ક્યૂ કરાયા હતા. બીજી તરફ હવામાન ખાતાએ ૧૯ અને ૨૦મી દરમિયાન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી. વાવાઝોડાને પગલે ઉત્તર પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.