તાઉ તે નામના વાવાઝોડાએ ભારતના પશ્ચિમી રાજ્યો અને છેક કેરળ સુધી તબાહી સર્જયા હતા. આ વાવાઝોડાથી થયેલી નુકસાનીનું વળતર પણ નથી ચુકવાયું ત્યાં તો બંગાળ, ઓરિસ્સા તથા પૂર્વોત્તરના રાજ્યોમાં યાસ વાવાઝોડું ત્રાટક્યું છે. જયારે ઝારખંડમાં મુશળધાર વરસાદ પડયાના અહેવાલો છે. આ ઉપરાંત રાંચીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેને કારણે ૨૦૦ મકાનોમાં અંધારપટટની સ્થિતિ છે. આ વિસ્તારોમાં હજી પણ બે દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે. ઓરિસ્સા અને બંગાળમાં યાસે બે દિવસ સુધી ભારે વિનાશ વેર્યો છે. જે બાદ હવે ઝારખંડ તેમજ બિહારમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે. બિહાર અને ઝારખંડમાં ૮૦ કિ.મી.ની ઝડપે ફુંકાવા સાથે મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઝારખંડમાં તો આ વાવાઝોડા અને વરસાદને કારણે ૮ લાખ લોકોને અસર થઈ છે. બોકારોમાં વીજળી પડવાથી એકનું મોત થયું છે. ૧૫,૦૦૦ લોકોને બચાવવામાં આવ્યા છે.
આ ચાર રાજ્યોમાં વાવાઝોડાથી સર્જાયેલી પરિસ્થિતિને કારણે પીએમ મોદીએ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેવા તૈયારી કરી છે. હવાઈ સર્વેક્ષણ કરીને મોદી સમગ્ર સ્થિતિનો કયાસ કાઢશે. સૌપ્રથમ મોદી ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વર ખાતે જઈને રિવ્યૂ મિટિગ કરશે. જે બાદ બાલાસોર, ભદ્રક અને પૂર્વ મેદિનીપુર વિસ્તારોનું તેઓ હેલિકોપ્ટર દ્વારા નિરિક્ષણ કરનાર છે. આ કાર્યક્રમ બાદ તેઓ બંગાળમાં કોલકાતા ખાતે રિવ્યૂ મિટિંગ કરીને અસરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કરશે. બીજી તફ હવામાન ખાતાએ બિહાર, ઝારખંડ અને યુપી સહિત કેટલાંક રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાએ આ વિસ્તારોમાં વાવાઝોડું નબળું પડયું છે તેમ છતાં ૪૮ કલાક સુધી તેની સતર્કતા દાખવવાની આવશ્યકતા હોવાનું કહ્યું છે.