પત્ની પર જીવલેણ હુમલો કરવાના એક કેસમાં બોમ્બે હાઇકોર્ટે 35 વર્ષીય આરોપીને રાહત ઈન્કાર કરી દીધો હતો. આ કેસમાં પતિએ પત્ની પર હથોડાથી ઘા ઝીંક્યા હતા. આ કેસમાં બોમ્બે હાઇકોર્ટે સોલાપુરના પંઢરપુરના રહેવાસી સંતોષ આતકરને દોષી ઠેરવવા સાથે 10 વર્ષની સજાને યથાવત રાખી છે. વર્ષ 2016મા એક સ્થાનિક કોર્ટે આરોપીને મર્ડરની જગ્યાએ ઈરાદા વિના હત્યાનો દોષી માની આરોપીને સજા ફટકારી હતી. ડિસેમ્બર 2013મા મહિલા તેના પતિ માટે ચા બનાવ્યા વગર જ ઘરની બહાર ચાલી ગઈ હતી. આ બાબતે બંને વચ્ચે ઝગડો થયો હતો. આથી ગુસ્સે ભરાયેલા પતિ સંતોષે હથોડાથી પત્નીના માથાના ભાગે ઘા કરી દીધા હતા.
હથોડાના ઘા ઝીંકાતા જ મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. જો કે, આ ઘટના બાદ પત્નીને તાબડતોબ સારવાર માટે ખસેડવાની જગ્યાએ પતિેએ સ્થળ પર સાફસફાઈ કરી હતી.
જે પછી પત્નીને નવડાવ્યા બાદ હોસ્પિટલમાં એડમિટ કરવા લઈ ગયો હતો. જ્યાં લગભગ એક અઠવાડિયા બાદ તે મહિલાનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની વિસ્તૃત જાણકારી અને દંપત્તિની દીકરીના નિવેદનને આઘારે પોલીસે તપાસ આદરી કાર્યવાહી કરી હતી. જેમાં મહિલાના મોતનું કારણ તેને હથોડાથી થયેલી ઈજા હોવાનું બહાર આવ્યું હતુ. આખરે પોલીસે તેના પતિ સામે જ હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૃ કરી દીધી હતી.
આ કેસમાં હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે પતિ માટે ચા બનાવવાની ના પાડવી તે બાબત હુમલા માટે વધુ પડતુ કારણ જણાય છે. પત્નીને મારવા માટે આ નાની વાત સમજમાં આવે તેમ નથી. કોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું હતુ કે, પત્ની કોઈની ગુલામ નથી કે તે કોઈ વસ્તુ પણ નથી. આ કેસમાં 6 વર્ષીય દીકરીનું નિવેદન વિશ્વાસપાત્ર છે. આ બાબતની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે એ દલીલ કરી હતી. કોર્ટે આ તર્કને જ માનવાની ના પાડતા કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં એ વાત સ્વીકાર કરી શકાય નહીં કે ચા બનાવવાની ના પાડતા પતિએ આ પ્રકારે હુમલો કર્યો હોય. કોર્ટે એમ પણ કહ્યું કે, ‘મહિલાઓ સામાજિક સ્થિતિઓના કારણે પોતાને પતિઓને સોંપી દે છે. એટલે આ પ્રકારની ઘટનાઓમાં પુરુષ પત્નીને ગુલામ સમજે તે યોગ્ય નથી.