એશિયા કપમાં ભારતનો સુપર 4માં પાકિસ્તાન સામે પાંચ વિકેટે પરાજય થયો છે. ટીમ ઇન્ડિયાની હારના કારણમાં અર્શદીપ સિંહનું કેચ છોડવુ પણ રહ્યુ હતુ. 18મી ઓવરમાં અર્શદીપે આસિફ અલીનો આસાન કેચ છોડી દીધો હતો. આસિફ તે સમયે 0 રને રમતમાં હતો. તે બાદ આસિફે આઠ બોલમાં 16 રન બનાવ્યા હતા. જેમાં બે ફોર અને એક સિક્સર સામેલ હતી. જોકે, મેચ બાદ વિરાટ કોહલીએ અર્શદીપ સિંહનું સમર્થન કર્યુ હતુ. કોહલીએ કહ્યુ કે ભૂલ કોઇ પણ કરી શકે છે, ત્યારે મેચની સ્થિતિ ઘણી મુશ્કેલ ભરેલી હતી.
વિરાટ કોહલીએ કહ્યુ, મેચમાં ઘણુ દબાણ હતુ અને ભૂલ થઇ શકે છે. મને પણ હવે યાદ છે કે હું પોતાની પ્રથમ ચેમ્પિયન્સ ટ્રોફી (2009) રમી રહ્યો હતો અને પાકિસ્તાન સામે મેચ હતી. મે શાહિદ આફ્રિદી વિરૂદ્ધ ઘણો ખરાબ શોટ ફટકાર્યો હતો. હું સવારે પાંચ વાગ્યા સુધી સીલિંગ જોઇ રહ્યો હતો, મને ઉંઘ નહતી આવતી અને મને લાગ્યુ કે મારી કરિયર ખતમ થઇ ગઇ છે પરંતુ આ વસ્તુ સ્વાભાવિક છે.
વિરાટ કોહલીએ કહ્યુ- સીનિયર ખેલાડી તમારી આસપાસ રહે છે, અત્યારે ટીમનો સારો માહોલ છે, હું કેપ્ટન અને કોચને શ્રેય આપુ છું. ખેલાડી પોતાની ભૂલમાંથી શીખે છે, માટે તમામે પોતાની ભૂલનો સ્વીકાર કરવો જોઇએ, તેને સંબોધિત કરવુ જોઇએ અને એક વખત ફરી તે દબાણની સ્થિતિમાં આવવા માટે તત્પર રહેવુ જોઇએ.
માત્ર વિરાટ કોહલી જ નહી હરભજન સિંહ અને ઇરફાન પઠાણ સહિતના કેટલાક ક્રિકેટર્સ અર્શદીપ સિંહના સમર્થનમાં આવ્યા છે. હરભજને ટ્વીટ કર્યુ- યુવા અર્શદીપ સિંહની ટિકા કરવાનું બંધ કરો, કોઇ જાણી જોઇને કેચ નથી છોડતો, અમને આપણા ખેલાડીઓ પર ગર્વ છે. બીજી તરફ ઇરફાન પઠાણે લખ્યુ- અર્શદીપ મજબૂત માનસિકતા ધરાવતો ખેલાડી છે, તેને આ રીતે બન્યા રહેવુ જોઇએ.