ગુજરાત અને ભારતમાં છેલ્લાં પાંચ સાત વર્ષથી આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. આ ઘટનામાં ઘરેલું કંકાસ ઉપરાતં અસહિષ્ણુતા અથવા તો ભ્રામક દુનિયામાં જીવવાની આદત કારણભૂત હોય છે. હાલમાં અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASIની પુત્રીએ આપઘાત કરવા જઈ રહી છું તેવો સંદેશો એક ચિઠ્ઠીમા લખ્યા બાદ તે કયાંક ગૂમ થઈ ગઈ છે. પોલીસ દ્વારા આ પુત્રીની શોધખોળ શરુ કરાઈ છે. પરંતુ હજી સુધી તેનો કોઈ પતો લાગ્યો નથી.ગુરુવારે અમદાવાદમાં બનેલી આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે, સાબરમતિ પોલીસ સમથકે એસઆઈ તરીકે ફરજ બજાવતા ગિરીશદાન ગઢવીનાં દીકરી સોનલબેનના લગ્ન હાલ ભરૂચમાં PI તરીકે ફરજ બજાવતા પી. એસ. ગઢવીના દીકરા ધર્મેન્દ્રદાન સાથે થયા હતા. આજે આ વાતને 14 વર્ષ વીતી ગયા છે. દાંમ્પત્ય જીવનમાં તેમને દીકરો અને દીકરી થયા છે. જો કે, સાસરિયાંમાં સોનલબેનને ત્રાસ અપાતો હોવાની ફરિયાદો ચાર પાંચ વર્ષથી ઉઠતી રહી છે. તેથી કેટલાક સમય પહેલાં સોનલ અમદાવાદ ખાતે પિયરમાં રહેવા આવી ગઈ હતી.
પિયરમાં પણ સોનલને તેમનો પતિ ફોન કરીને સાસરે આવી જા, નહિતર હું મરી જઈશ’ એમ જણાવતો હતો. આખરે કંટાળીને સોનલબેન ગુરુવારે ચિઠ્ઠી મૂકીને ઘર છોડીને ચાલ્યા ગયા હતા. જયાં તેમણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘હું મરવા જઉં છું.’ જે બાદ તેણીએ પિતાને ઓડિયો-ક્લિપ પણ મોકલી હતી. તેમણે તેણીએ કહ્યું હતુ કે, હું હવે આ માનસિક ત્રાસ સહન નહિ કરી શકું, મેં મારાથી બનતું હતું ત્યાં સુધી બહુ સહન કર્યું, પણ હવે નથી થતું. તે મને વારંવાર મરી જવાની બીક બતાવતો હતો, એ શું મરતો હતો, હું જ તેને મરીને બતાવી દઉં છું. હું મોતને વહાલું કરવા જઈ રહી છું, એટલે આ ઓડિયો-ક્લિપ તમને મોકલું છું. મારા દીકરા અને દીકરીનું ધ્યાન રાખજો. પપ્પા, ભાઇલા બધાય હિંમત રાખજો. કલીપમાં તેણીએ એમ પણ જણાવ્યું હતુ કે, આ ઓડિયો-ક્લિપ મળે તો મને શોધવાના પ્રયાસ ન કરતા. હું નહીં મળું. હું એવી રીતે મરીશ કે કદાચ તમને મળીશ પણ નહિ. પિતાને મોબાઈલ ફોન પર આ ક્લિપ મોકલીને સોનલે તેનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. પુત્રીનો સંદેશો સાંભળ્યા બાદ તરત જ એએસઆઈ ગઢવીએ તપાસ શરુ કરી હતી. જેમાં સોનલનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગરના દૂધરેજની નર્મદા કેનાલ નીકળ્યું હતુ. આથી તેમનાં પરિવારજનો સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. ત્યારબાદ સોનલ નહેરમાં કુદી પડી હોવાની શંકા સાથે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરીને શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સોનલબેનના કોઈ સગડ મળ્યા નહતા. ફાયર વિભાગની ટીમે આઠ કલાક શોધખોળ કર્યા છતાં હજું તેનો પતો મળ્યો નથી.