ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચોની ટેસ્ટ સીરિઝમાં પહેલી મેચમાં ભારતીય ટીમને પછડાટ ખાવી પડી હતી. જો કે, કોહલીએ એડિલેડમાં પહેલી ઈનિંગમાં 74 રન કર્યા હતા. પરિણામે વિરાટ કોહલી ICCના ટેસ્ટ બેટ્સમેનના રેન્કીંગમાં આગળ વધ્યો છે. અત્યાર સુધી ટોચ પર સ્ટિવ સ્મિથ રહ્યા છે. જો કે, કોહલી હવે તેની એકદમ નજીક પહોંચી ગયો છે.
કોહલી ઉપરાંત ભારતીય બેટ્સમેનોના કંગાળ પ્રદર્શનની અસર રેન્કિંગમાં દેખાવા માંડી છે. જેમાં ચેતેશ્વર પુજારા આઠમા સ્થાને દેખાય રહ્યો છે તો અજિંક્ય રહાણે ટોપ 10માંથી આઉટ થયો છે.
મયંક અગ્રવાલ 14મા સ્થાને રહ્યો છે. જયારે હનુમા વિહારી 50થી બહાર નીકળી 53મા સ્થાને દેખાયો છે. એડિલેટમાં ચાર વિકેટ લેનાર સ્પિનર અશ્વિન ફાસ્ટ બોલર બુમરાહને પછાડીને બોલર્સની રેન્કિંગમાં નવમા ક્રમે પહોંચ્યો છે. જયારે બુમરાહ હવે 10મા સ્થાન પર છે. મેચમાં સાત વિકેટ લેનાર પેટ કમિન્સ ટોપ બોલર બની રહ્યો છે. બીજી ઈનિંગમાં આઠ રને પાંચ વિકેટ લેનાર હેઝલવુડ ટોપ પાંચમાં પહોંચી ગયો છે.
ICC રેન્કિંગમાં કોહલીને તેની હાફ સેન્ચુરીને કારણે બે રેટિંગ પોઈન્ટનો ફાયદો થયો છે. અને 888 રેટિંગ પોઈન્ટ થતા તે હવે બીજા નંબરે પહોંચી ગયો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્મિથ એડિલેટ ટેસ્ટમાં મેચની બંને ઈનિંગમાં એક-એક રન બનાવી શકતા તેને 10 પોઈન્ટનું નુકસાન થયું છે. સ્મિથના નામે 901 રેટિંગ પોઈન્ટ છે. આ ઉપરાંત એડિલેટ ટેસ્ટ મેચમાં 46 અને 6 રનની ઈનિંગ રમનાર માર્નુસ લાબુશેન 839 રેટિંગ અંક સુધી પહોંચી ગયો છે. માર્નુસ લાબુશેન ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પછીના ચોથા સ્થાને છે. મેન ઓફ ધ મેચ ઓસ્ટ્રેલિયા કેપ્ટન ટીમ પેન 73 રનોની અણનમ ઈનિંગ સાથે 592 રેટિંગ પોઈન્ટ પર પહોંચતા તેઓ રેન્કીંગમાં 33મા સ્થાને દેખાય રહ્યા છે. આ પહેલાં ICC રેન્કિંગમાં તેનું સર્વશ્રેષ્ઠ સ્થાન 45મું હતું.