ભારતમાં કોરોનાની બીજી લહેર માંડ શાંત પડી છે ત્યાં ત્રીજી લહેર શરુ થઈ ગયાના દાવા વૈજ્ઞાનિકો દ્વારા થઈ રહ્યા છે. એક દાવા પ્રમાણે તો ચોથી જુલાઈથી કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ છે. હવે આ સ્થિતિમાં ભારતમાં ઓગષ્ટ મહિનના અંતિમ સપ્તાહે કોરોનાના કેસ પીક ઉપર હશે તેવી આશંકા ખુદ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ વ્યક્ત કરી છે. ICMRના આ દાવા પહેલાં જ એમ્સના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેર લોકોની ઇમ્યુનિટી નબળી થવાના કારણે આવી શકે છે તેવી શકયતા વ્યક્ત કરી હતી. ગુલેરીયાના મતે સરકારો લોકડાઉન અને અન્ય પ્રતિબંધોમાં ઢીલ આપી રહી છે તેથી નવા વેરીએન્ટને ફેલાવવામાં બળ મળી શકે છે.
કોરોના સંક્રમણની બીજી લહેર ખત્મ થતા જ ભારતમાં કોવિડની ગાઈડ લાઈનના ઠેર ઠેર ધજાગરા ઉડી રહ્યા છે. તેથી ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડિવિઝન ઑફ એપિડેમિયોલોજી એન્ડ કૉમ્યુનિકેબલ ડિસીસના પ્રમુખ ડૉક્ટર સમીરન પાંડાએ શુક્રવારે કહ્યું હતુ કે, ઑગષ્ટના અંત સુધી કોરોના વાયરસની ત્રીજી લહેર પણ આવશે. જો કે, કોરોના સંક્રમણની ત્રીજી લહેર કોવિડની બીજી લહેર જેટલી ખતરનાક અને નુકસાનકારક નહીં રહે. આમ છતાં કોરોનાથી સાવચેતી આવશ્યક છે. કારણ કે, એકવાર ફરીથી આખા દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધવાની છે. આ વખતે જે લોકો ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે તેઓએ ખાસ સાવધાની રાખવી પડશે. ડૉક્ટર સમીરન પાંડાએ વધુમાં કહ્યું હતુ કે, કોવિડ-19 મહામારીના સમયગાળામાં લોકોની રોગો સામે લડવાની શક્તિમાં ઘટાડો થયો છે. કોરોના સંક્રમણની ત્રીજી લહેરનું આ એક મહત્વનું કારણ છે. ત્રીજી લહેરના સમયગાળામાં અત્યાર સુધીમાં કોરોનાથી લડીને મેળવવામાં આવેલી ઇમ્યુનિટી ઘટી શકે છે. કારણ કે નવું વેરિયન્ટ કદાચ આ ઈમ્યુનિટિને નબળી પાડી શકે છે. જો આવું થયું તો નવું વેરિયન્ટ ઇમ્યુનિટીને તોડીને અત્યંત ઝડપથી સંક્રમણ ફેલાવી દેશે. અલબત અત્યાર સુધીના સરવે પ્રમાણે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં વધુ કહેર વરસાવે તેવી શકયતા જણાય નથી.