કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલા ભારતમાં દરરોજ તબીબો પણ પોતોના જુદા જુદા મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. અત્યાર સુધી કોરોના સામે વેકસીનેશન અને ગાઈડલાઈનનું સખત પાલન મોટો ઉપાય છે તેમ કહેવાતું હતુ. હવે એમ્સના નિયામક ડો. રણદીપ ગુલેરિયાએ લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ લેવાની જરૂર પણ પડી શકે છે તેવો અભિપ્રાય આપ્યો છે. ડો. રણદીપ ગુલેરિયાએ પત્રકારો સમક્ષ કહ્યું હતુ કે, કોરોનાની મહામારીની બીજી લહેર હવે ભારતના પશ્ચિમ વિસ્તાર તરફથી પુર્વ તરફ આગળ વધી રહી છે. જો કે, પશ્ચિમના વિસ્તારોમા હજી સંકટ યથાવત રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પ્રદેશમાં કેસ સ્થિર થયા છે. જયારે મધ્ય ભારતમાં કોરોના સંક્રમણની ગતિ વધી રહી છે. મે મહિનાના અંત સુધીમાં મધ્ય ભારતમાં કોરોનાના કેસ ઘટી શકે છે. ડો. ગુલેરિયાએ ઉમેર્યું કે, પૂર્વ ભારતનો વિસ્તાર આગામી દિવસોમાં કોરોનાની ચપેટમાં આવી શકે છે. આ વિસ્તારમાં કોરોના વાયરસ તેની ઝડપ વધારે તો પશ્વિમ ભારતમાં ગત મહિને જે સ્થિતિ સર્જાઈ હતી તેવી સ્થિતિ અહીં પણ સર્જાઈ શકે છે. આગામી એક બે મહિનામાં મહામારીની અસર ઘટતી વર્તાશે.
દેશમાં બાળકોના રસીકરણ અંગે તેમણે ફોડ પાડતા કહ્યું હતુ કે, બાળકની શારીરિક સ્થિતિ નાજુક હોય છે. આગામી વેવમાં કોરોના બાળકોને પણ અસર કરી શકે તેમ છે. તેથી વાલીઓ, સરકાર અને આરોગ્ય વ્યવસ્થા હવે દેશના બાળકોનું રક્ષણ કઇ રીતે કરવું તે વિશે વિચારે તે આવશ્યક છે. સરકાર અને આરોગ્ય વિભાગ હાલ તે અંગે ધ્યાન આપી રહ્યા છે. બાળકોના બચાવ માટે પણ વેક્સિનેશન મહત્વનું છે. આગામી દિવસોમાં તેઓને રસી આપવા વિશે સરકાર નિર્ણય કરી શકે છે. આ તકે ગુલેરિયાએ કહ્યું હતુ કે, બે ડોઝની અસરકારતા વિષે હજી પુરતો ડેટા ઉપલબ્ધ નથી. બંને ડોઝ કેટલા પ્રભાવશાળી રહે છે તેની વિગતે છણાવટ કરાશે. જે બાદ ત્રીજા ડોઝ સંબંધે વિચારણા કરાશે. વેક્સિનના બે ડોઝ બાદ નાગરિકના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ કેટલો સમય સુધી રહે છે તે વિશે અભ્યાસ કરાશે. ભારતમાં જો કોરોનાનો નવો વેરિઅન્ટસ દેખાશે તો કદાચ જરૃરિયાતમંદોને વેક્સિનનો ત્રીજો ડોઝ આપવો પડશે.