ગુજરાતમાં કોરોનાકાળમાં લાખો લોકો વાયરસની ચપેટમાં આવી ચુક્યા છે, આ સાથે જ અનેક લોકોનો આ વાયરસે ભોગ લીધો છે. કોરોનાની બીજી લહેર સાથે જ રાજ્યના તબીબો દ્વારા કેટલીક સાવચેતી માટે સૂચનો થઈ રહ્યા છે. હાલમાં સગર્ભા મહિલાઓને કોરોનાથી વધુ સાવધ રહેવા તાકીદ કરાઈ છે. કારણ કે, સગર્ભા મહિલા કોરોનામાં સપડાય તો તેના ઉદરમાં રહેલા બાળકના જીવને પણ જોખમ ઉભુ થઈ શકે છે. કોરોનાગ્રસ્ત સગર્ભાને ઓક્સિજનની સમસ્યા નડે એટલે તેની સીધી અસર તેના ઉદરમાં રહેલા બાળકને થઈ શકે છે. આવા સંજોગોમાં તે જન્મે તે પહેલા જ ઓક્સિજનના અભાવે મોતને ભેટે તેવી શકયતા વધી જાય છે.
રાજકોટમાં કોવિડના સંક્રમણની શરૂઆત થયા પછી કોવિડ હોસ્પિટલમાં ગાયનેક વિભાગ દ્વારા કામગીરી થઈ રહી છે. આ વિભાગના હેડ ડો. કમલેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે કોરોનાકાળમાં સગર્ભા મહિલાઓએ વધુ સાવચેતી રાખવાની હોય છે. તેથી તેના માટે ઘરની બહાર નીકળવું હિતાવહ નથી. સાથે જ તેના ઘરના તમામ સભ્યોએ પણ કોરોનાથી બચવા સાવચેતી રાખવાની જરૂર છે. કોઈ સગર્ભા કોરોનામાં સપડાય અને તેને ઓક્સિજનની સમસ્યા ઉભી થાય તો તેના પેટમાં રહેલું બાળક અંદર જ મૃત્યુ પામે છે. કોરોના કાળમાં સૌથી મોટી વિડંબના એ છે કે, સગર્ભાવસ્થામાં મહિલાઓની ઈમ્યુનિટી ઓછી હોય છે. આવા સંજોગોમાં કોરોનાનું સંક્રમણ મહિલા અને તેના ઉદરમાં રહેલા બાળક માટે જોખમ નોતરી શકે છે.
રાજકોટ સિવીલમાં કોરોના પોઝિટિવ ર૭પ સગર્ભાઓની સુશ્રાષા અને તેમાંથી ૧૧૦ની પ્રસૂતિ થઈ છે. અત્યારે ૨૧ સગર્ભા અને ધાત્રી માતા દાખલ છે.