વાંસદા તાલુકાના ઉનાઈમાં આવેલા અને વિસ્તારના જનતા માટે આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે એવા ઉનાઈ મંદિરને હજી પણ ભક્તો માટે ખોલવામાં આવ્યું નથી. આ લોકડાઉન દરમિયાન બંધ કરવામાં આવેલા લગભગ તમામ મંદિરો ખુલી ગયા હોવા છતાં ઉનાઈ મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું નથી. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી મંદિર ખોલવા માટે માંગ કરવામાં આવી છે. આ સાથે અનંત પટેલે ચીમકી પણ આપી હતી કે જો બે દિવસમાં મંદિર અને કુંડ ખોલવામાં નહિ આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વાંસદાના ઉનાઈ ખાતે આવેલું ઉનાઇ માતાજીનું મંદિર તેમજ ગરમ પાણીના કુંડ આ વિસ્તારની જનતા માટે જ નહીં પરંતુ લાખો લોકો માટે આસ્થાનું પ્રતીક ગણવામાં આવે છે. ઉનાઈ અને ખંભાળીયાની સ્થાનિક જનતાને આ મંદિરના લીધે રોજગાર મળી રહે છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે આ ઉનાઈ મંદિરને શ્રદ્ધાળુઓના પૂજા અર્ચના માટે બંધ કરી દેવામાં આવતા હજારો લોકોને અસર પહોંચી છે.
બીજી લહેર શાંત થઇ ચૂકી છે અને કોરોના અંકુશમાં આવ્યો છે તેવા સમયે લગભગ તમામ મોટા મંદિરો ખુલ્લા મુકવામાં આવ્યા છે પરંતુ ઉનાઈ મંદિરને હજી સુધી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ન હોવાથી સ્થાનિક લોકોની સાથે સાથે માતાજીના ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે ઉનાઈ માતાજી મંદિરના ત્રણ દરવાજા છે આ તમામ દરવાજા દિન ૨ માં ખોલવા તેમજ ગરમ પાણીના કુંડ પણ ખોલવા અને જો આ મંદિરના દરવાજા અને કુંડ ખોલવામાં નહિ આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.