ગુજરાતમા કોરોનાના કેસમા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી થઈ રહેલા વધારાથી પ્રજાની ચિંતા વધવા સાથે સરકારી તંત્રની દોડધામ વધે તેવા સંજોગો ઉભા થયા છે. દરમિયાન બુધવારે ખુદ ગુજરાત હાઈકોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રાજ્યમાં કોરોનાના વધતા કેસને ગંભીરતાથી લેવાની તાકીદ સાથે હાઈકોર્ટે સરકારને સંભવિત સ્થિતિનો સામનો કરવા માટે સજ્જ રહેવા પણ તાકીદ કરી હતી. રાજ્યની સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજોમાં અપૂરતી સુવિધાને લઈ ઉઠતી ફરિયાદના સંદર્ભમાં હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, સમાજના ગરીબ લોકો રોગની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે. આ સંજોગોમાં સરકારી હોસ્પિટલમાં અપૂરતા ડોક્ટર્સ, દવાનો અપૂરતો જથ્થો, સાધનો કે અન્ય માળખાકીય સુવિધાનો અભાવ નહીં રહે તે માટે અત્યારથી આયોજન કરવા માંડવું જોઈએ.
વધુમાં કોર્ટે રાજય સરકારને જણાવ્યું હતુ કે, રાજ્યમાં વાયરસનું સંક્રમણ ફરી ઝડપથી આગળ વધી રહ્યું છે તે જોતા સરકાર કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલની સુવિધા પૂરતા પ્રમાણમાં રાખે તે આવશ્યક છે. અત્યારે હોસ્પિટલ્સમાં પથારીઓની સુવિધા છે. પરંતુ પહેલાની જેમ કોવિડ વોર્ડ નથી. જેથી કેસ વધે તેવા સમયે દર્દીઓને તાકીદે સારવાર આપી શકાય તેવી સુવિધાની સમીક્ષા રાજય સરકારે હવે કરવી જોઈએ. હાઈકોર્ટે કરેલા હુકમમાં જણાવાયું છે કે, કોરોના સંદર્ભે લોકો ભારે બેદરકારી દાખવતા થઈ ગયા છે. જે બાબત ચિંતાજનક છે. સરકારે કોવિડ 19ની માર્ગદર્શિકાના પાલન માટે ફરી કડકાઈ દાખવવી પડશે. જો બેદરાકરી ખતમ નહીં થાય તો રાજ્ય સરકારે ફરી એકવાર લોકડાઉન અમલમાં મુકવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કોર્ટે રાજ્ય સરકારને હોસ્પિટલ્સમાં સુવિધા અને સારવારની શું સ્થિતિ છે, તેનો અહેવાલ આપવા સુચના આપી છે. કોર્ટે સરકારને કેટલાક સુચનો પણ કર્યા છે. જેમાં મોટા શહેરોમાં કોરોના માટે ટેસ્ટિંગની સંખ્યા વધારવા તાકીદ કરી છે. સાથે જ મહાનગરોમાં જાહેર સ્થળો પર વિજીલન્સ ટીમ ગોઠવવા તથા જાહેર સ્થળો પર ફરજિયાત માસ્ક પહેરવાનો કડકાઈથી અમલ કરાવવા પણ સુચના આપી છે.