તમામ સજીવોના જીવનની મૂળભૂત જરૂરિયાતમાં પાણી મહત્વની બાબત છે. પરંતુ દેશ અને દુનિયામાં થઈ રહેલા વસ્તી વધારા સાથે પાણીના વપરાશ બાબતે દાખવાતી બેદરકારી કદાચ આવનારી પેઢી માટે મોટી સમસ્યાનું નિર્માણ કરી શકે છે. દુનિયામાં અત્યારે ર૦૦ કરોડથી વધુ લોકો પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતા જેવી પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે. યુનોમાં ૨૦૧૦માં પસાર થયેલા પ્રસ્તાવમાં પીવાના સ્વચ્છ અને સુરક્ષિત પાણીને માનવઅધિકારનો દરજ્જો અપાયો હતો. આ સાથે જ ૨૦૩૦ સુધી દુનિયાના તમામ લોકોને સ્વચ્છ પાણી પુરુ પાડવાની દીશામા તમામ દેશ સાથે મળીને કામ કરશે તેવુ ઠરાવાયું હતુ. પરંતુ યુનોના આ ઠરાવ પછી ૧૫ વર્ષોમાં દુનિયામાં કોઈપણ દેશે આ બાબતને ગંભીરતાથી લીધી નથી તેવું સ્પષ્ટ જણાય છે. પરિણામે ૨૧૦ કરોડ લોકો આજે પણ પીવાના શુદ્ધ પાણીથી વંચિત છે. જો આ જ સ્થિતિ રહી તો યુનો વોટર એન્ડ ઈન્ટરનેશનલ ફન્ડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટના રિપોર્ટમાં વ્યક્ત કરાયેલી દહેશત સાચી પડશે.
દુનિયામાં પર્યાવરણમાં પ્રદૂષણ અને જળ સંશાધનો પર દબાણને જોતાં ૨૦૫૦ સુધી દુનિયામાં ૪૫ ટકા ઘરેલુ ઉત્પાદન પર અને ૪૦ ટકા ખાદ્યાન્ન પર ખતરો છે. એટલે દુનિયામાં ગરીબો વધુ ગરીબ બનશે. બીજી તરફ ભારતમાં પણ સ્થિતિ બગડે તેવો ચોક્કસ વર્તારો છે. દેશમાં ખૂબ જ ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું હોવાથી પાણીની જરૂરિયાત માટે ગામડામાં ઉપલબ્ધ પાણીના સ્ત્રોત પર આધાર વધી જશે. પરિણામે દેશના ગામડાઓ અને શહેર વચ્ચે પાણીને મુદ્દે મોટો વિવાદ થઈ શકે છે. ૨૦૦૧ સુધી કુલ વસતીના ૨૮ ટકા લોકો શહેરમાં રહેતા હતાં. પરંતુ ત્યારબાદ ૧૦ વર્ષમાં એટલે કે ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીમાં દેશની કુલ વસતીના 30 ટકા લોકો શહેરો તરફ વળ્યા છે.
આવા સંજોગોમાં ૨૦૩૦ સુધી દેશની કુલ વસતીના ૪૦ ટકા લોકો શહેરોમાં રહેવા માટે આવી જાય તેવી શકયતા છે. ૨૦૩૦ સુધી જો દેશમાં ૬૦ કરોડ લોકો શહેરો રહેતા થઈ જાય તો તેઓ માટે પાણીની વ્યવસ્થા શું હશે તે કહેવું મુશ્કેલ છે. સરકાર કે તંત્ર પાસે હાલ આ બાબતે કોઈ આયોજન નથી. કેન્દ્રિય જલશક્તિ વિભાગે સંસદમાં આપેલી જાણકારી એવી છે કે, ૨૦૦૧માં દેશમાં દરેક વ્યક્તિ માટે પાણીની ઉપલબ્ધિ ૧૮૧૬ ઘનમીટર હતી. જે હવે ઘટીને ૨૦૨૧માં ૧૪૮૬ ઘનમીટર થઈ ગઈ છે. આગામી ૧૦ વર્ષમાં તે ઘટીને ૧૩૬૭ ઘન મીટર થઈ શકે છે. આ આંકડા ચિંતાજનક છે. પાણીની ઉપલબ્ધિ ઓછી થઈ રહી છે તેથી પાણી મેળવવા માટે લોકોએ વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાશે તે નિશ્ચિત છે. ૨૦૧૯ના સેન્ટ્રલ વોટર કમિશનના અહેવાલમાં નોંધવામાં આવ્યું હતુ કે, દેશ જળસંકટમાંથી પસાર થઈ રહ્યો છે. ભૂમિગત પાણીનું જે રીતે દોહન થઈ રહ્યુ છે તે જોતાં ભૂમિગત પાણીમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ ર કરોડ કૂવાઓ પર મોટર મુકીને પાણી ઉલેચવામાં કોઈ ધારાધોરણ નથી. કેટલાક રાજ્યોમાં સરકાર દ્વારા મફત વિજળી અપાતા પાણીનો બગાડ પણ મોટાપાયે થઈ રહ્યો છે. દર વર્ષે ભૂમિગત પાણીનું પ્રમાણ ૦.૪ મીટર ઘટી રહ્યુ છે. બીજી તરફ સમુદ્રની નજીકના વિસ્તારોમાં ખારાશનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી પાણીનું વ્યવસ્થાપન ન થાય, તેમજ બગાડ અને પાણીનું પ્રદૂષણ નહીં અટકે તો આવનારા દિવસોમાં દુનિયા અને દેશમાં મોટુ જળસંકટ નિશ્ચિતપણે સર્જાઈ શકે છે.