હિન્દુ શાસ્ત્રમાં મોટા તહેવારો પૈકીના એક હોળીનો પર્વ ધાર્મિક રીતે મહત્વનો મનાય છે. પ્રતિવર્ષ લગભાગ માર્ચ મહિનામાં આવતા આ તહેવાર પહેલાના દિવસોને હોળાષ્ટકનો સમય કહેવાય છે. હોળી પહેલાના આઠ દિવસ હોળાષ્ટક ગણવામાં આવે છે. ‘હોળાષ્ટક’નો શાબ્દિક અર્થ છે. હોળા+અષ્ટક અર્થાત્ હોળીનાં પહેલાનાં આઠ દિવસ કહેવાય છે. મુખ્યત્વે હોળી એક દિવસનું પર્વ નહીં પણ પૂરા નવ દિવસનું પર્વ છે. જે ચૈત્ર માસની કૃષ્ણપક્ષની પ્રતિષ્ઠા જેને ‘કુલંકી’ કહેવામાં આવે છે. ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૃ થતાં હોળાષ્ટક આ વર્ષે એટલે કે, 2021માં 22 માર્ચથી શરૂ થઇને 28 માર્ચ સુધી રહેશે. હોળાષ્ટકને કાળસમય માનવામાં આવે છે. કાળ સમયમાં થતા કાર્યોને ઝાઝી સફળતા મળતી ન હોવાની માન્યતા વર્ષોથી પ્રવર્તે છે. જેથી મોટાભાગના હિંદુ લોકો આ સમયમાં લગ્ન, નામકરણ, ભવનનિર્માણ, હવન-યજ્ઞા, વાસ્તુ, જનોઇ, ખાતમુહુર્ત, વાહનખરીદી, ગૃહપ્રવેશ જેવા કાર્યોને ટાળે છે. ટૂંકમાં હોળાષ્ટક દરમિયાન શુભકાર્યોને વર્જીત ગણવામાં આવ્યા છે.
હોળાષ્ટક ધૂળેટીના દિવસે સમાપ્ત થાય છે. જયોતિષ શાસ્ત્ર એવુ માને છે કે, હોળાષ્ટકનાં દિવસોમાં જો કોઈ કાર્યો થાય તો તે કરનારને કષ્ટ, અનેક પીડા થઈ શકે છે. વિવાહ સંબંધમાં સંબંધ વિચ્છેદ તથા કલેશ જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. અકાળે મૃત્યુ અથવા લાંબી બીમારીની શકયતા પણ વધે છે. તેથી હોળાષ્ટક દોષમાં સંક્રાંતિ, ગ્રહણકાળ વગેરેમાં શુભવિવાહ કાર્યોને વર્જીત કરાયા છે. શાસ્ત્રો અનુસાર જે ક્ષેત્રમાં હોલિકાદહન માટે કુંડો સ્થાપિત થાય છે, તે ક્ષેત્રમાં આઠ દિવસ સુધી શુભકાર્ય થતું નથી. પરંતુ આ સમયમાં જન્મ અને મૃત્યુ પછી કરવામાં આવતાં કાર્ય ઉપર નિષેધ નથી.