1 જાન્યુઆરી 2021થી દેશના તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કરવાનો નિર્ણય કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ વિભાગે લીધો છે.
ગુરુવારે આ અંગે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતુ કે, મુસાફરો માટે આ નવો ફેરફાર લાભદાયી રહેશે. ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા 1 જાન્યુઆરીથી દરેક વાહનો પર FASTags લગાવવાનું ફરજિયાત રહેશે. જો તમે તમારી કાર અથવા મોટા વાહનો પર ફાસ્ટેગ નહીં હોય અને તમે નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર પહોંચશો, તો ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. જો તમે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લગાવ્યા વગર ફાસ્ટેગ લેનમાંથી પસાર થશો તો ડબલ ટેક્સ ભરવો પડશે. અત્યાર સુધી હાઈવે પરની ટોલ બુથ પર ટોલટેક્સ ચુકવવા માટે લાંબી લાઈનો લાગતી હતી. જેમાં પ્રજાના સમય અને નાણા- ઈંધણનો પણ વ્યય થઈ રહ્યો હતો. ટોલ પ્લાઝા પરનાં કેમેરા ફાસ્ટટેગને સ્કેન કરી શકશે અને ટેક્સની રકમ તમારા ફાસ્ટટેગના ખાતામાંથી કપાઈ જશે. પછી ટોલ ગેટ ખુલશે અને તેનાથી કોઈ સમસ્યા નહીં થાય. આ પ્રક્રિયા થોડીક સેકન્ડમાં પૂર્ણ થશે. તેથી લાંબા સમય સુધી ટોલબૂથ પર ઉભા રહેવાની ઝંઝટમાંથી વાહનચાલકોને મુક્તિ મળશે. ફાસ્ટેગને ઑનલાઇન પેમેન્ટ મોડથી મોબાઇલની જેમ રિચાર્જ કરી શકાશે. આ સિવાય ફાસ્ટેગને My FASTag એપ્લિકેશન અથવા નેટબેંકિંગ દ્વારા પણ રિચાર્જ કરી શકાતુ હોવાથી પ્રજાની તકલીફો દૂર થઈ જશે. આથી જનહિતમાં આ નિર્ણય કરાયો છે.
ગડકરીએ વધુમાં જણાવ્યું હતુ કે, તેમને રોકડ ચુકવણી, સમય બચાવવા અને બળતણ માટે ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂર નહીં પડે. ફાસ્ટેગ વગરના વાહનો માટે ટોલ પ્લાઝા પર એક અલગ લેન પણ હશે અને તેમાંથી પસાર થવા પર સામાન્ય ટોલ લેવાશે. ફાસ્ટેગ ફક્ત નેશનલ હાઇવે (NH) માટે છે. જો તમે રાજ્ય ધોરીમાર્ગના ટોલમાંથી પસાર થશો તો તે નહીં ચાલશે. ઉલ્લેખનીય છે કે, ફાસ્ટેગ એ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન પર આધારિત એક ટેગ છે જે વાહનની વિન્ડસ્ક્રીન પર લાગશે.