કોરોનાને કારણે અનેક લોકોએ ધંધા રોજગાર ગુમાવ્યા છે. સ્વાભાવિક છે કે એ સંજોગોમાં પણ તમારે જીવનનિર્વાહ તો કરવો જ પડે એમ છે. આ સંજોગોમાં શું કરવું જેથી પરિવારનું ભરણપોષણ કરી શકાય એવો પ્રશ્ન ઘણાને થતો હોય છે. સ્વાભાવિક છે કે જેના માથે પરિવારની જવાબદારી છે અને જેઓ હવે કોઇ મોટું સાહસ વયને કારણે કરી શકે એમ ન હોય તેમને માટે અમૂલ એક સારો વિકલ્પ બની રહે એમ છે.
અમૂલ એ ડેરી ઉદ્યોગમાં મોટું નામ છે. એ એક એવી બ્રાન્ડ છે કે તેની લોકપ્રિયતા દેશમાં ફેલાયેલી છે. ઉપરાંત તમે ગમે તે રીતે જીવો, પરંતુ દિવસમાં તમારે કોઇને કોઇ ડેરી પ્રોડક્ટ તો ઉપયોગમાં લેવી જ પડતી હોય છે. તમે આઇસ્ક્રિમ કે બીજી મોંઘી ચીજો ખરીદી શકો એમ ન હોય તો પણ એક સમય ચા પીવા દૂધ કે છાશ પીવાનું પણ પસંદ કરશો. મતલબ કે રંકથી રાજા સુધીના તમામ લોકોને દરરોજ દૂધ કે તેના ઉત્પાદનોની જરૂર પડે છે. એ સંજોગોમાં અમૂલના ઉત્પાદનો સારા વેચાઇ શકે છે. એ વેચાણથી તમારા પરિવારનો નિર્વાહ થઇ શકે છે.
અમૂલ ઓછા રોકાણથી તમને વ્યાપાર કરવાની તક આપે છે, એ પણ ઘણું મહત્વનું છે. હજુ થોડા દિવસ પહેલાં જ અમૂલે તેના દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો હતો. કોરોના કાળમાં પણ અમૂલનો વેપાર ચાલતો જ રહ્યો અને તેને કારણે એ સમયકાળમાં ઘણી કંપનીઓની આવક ઘટી છે, પરંતુ અમૂલની આવકમાં વઘારો થયો છે. 2021માં પૂરા થતાં નાણાંકિય વર્ષમાં અમૂલની આવક 39200 કરોડ રૂપિયા થઇ છે. મતલબ કે જે કંપની લોકડાઉન અને કોરોનાના નિયંત્રણો વચ્ચે પણ સારો બિઝનેસ કરતી હોય, એ કંપનીના ઉત્પાદનો વેચીને તમે પણ ગુજરાન ચલાવી જ શકો.
જો તમને અમૂલ સાથે બિઝનેસ કરવાની ઇચ્છા હોય તો તે બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપે છે. એક પ્રકારની ફ્રેન્ચાઇઝીમાં અમૂલ આઉટલેટ કે અમૂલ રેલવે પાર્લર કે અમૂલ ક્યોસ્ક છે, તો બીજા પ્રકારની ફ્રેન્ચાઇઝીમાં અમૂલ આઇસ્ક્રિમ સ્કૂપિંગ પાર્લર. અમૂલ આઉટલેટ શરૂ કરવા માટે અંદાજે 2 લાખના રોકાણની જરૂર પડે, જ્યારે અમૂલ આઇસ્ક્રિમ સ્કૂપિંગ માટે 5 લાખના રોકાણની જરૂર પડે, જેમાં 25 થી 50 હજાર રૂપિયા બ્રાન્ડ સિકયોરિટી માટે આપવા પડશે, જે નોન રિફન્ડેબલ હશે, મતલબ કે એક વખત એ ભર્યા એટલે તમને પાછા નહીં મળે. જો આઉટલેટ ચાલુ કરવું હોય તો તમારી પાસે 150 ચોરસ ફૂટ જગ્યા જોઇએ, જ્યારે આઇસક્રિમ પાર્લર માટે 300 ચોરસ ફૂટ જગ્યા જોઇએ. અમૂલના ઉત્પાદન વેચવાથી તમને કમિશન મળે અને એ મુજબ તમે કમાણી કરી શકો છો. અમૂલ બ્રાન્ડ સારી હોવાથી તમારે પ્રચાર કરવાની જરૂર રહેતી નથી. જો તમને ઇચ્છા હોય તો [email protected] પર ઇમેઇલ કરી તમે દરખાસ્ત મૂકી શકો છો.