ધરમપુરના આદિવાસી વિસ્તારમાં આવેલા પૈખેડ અને ચાસ માંડવા ગામે વહેતી બન્ને નદીઓ ઉપર પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટ અંતર્ગત ડેમ બનાવવામાં આવનાર છે. આ પ્રોજેક્ટમાં વાંસદાના પણ ચોરવણી અને નિર્પણ અને ધરમપુરના ચાસ માંડવા,નડગધરી, જાગીરી,સહિતના 11 ગામો સૂચિત ડેમ વિસ્તારમાં જનારા છે. આ પ્રોજેક્ટનો વિરોધ હાલ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ દરમિયાન આજે ચાસમાંડવા ગામે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં ડેમ વિરોધ માટે એક વિશેષ સભા યોજવામાં આવી હતી. આ સભામાં ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે જ્યારે પણ સરકાર રસ્તો એક્સપ્રેસ હાઈવે, સફારી પાર્ક કોરિડોર કે ઉદ્યોગો સ્થાપવાની વાત કરે છે ત્યારે દરેક વખતે આ તમામ વસ્તુઓ આદિવાસી વિસ્તારમાં જ કેમ લાવવામાં આવે છે? આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે વિનાશ કરવાનું કાવતરૂ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. અનંત પટેલે કહ્યું કે, આ બધું ચલાવી લેવામાં નહીં આવે આદિવાસી સમાજ એક થઇ અને તેનો સજ્જડ વિરોધ કરશે.
ડેમ બાબતે બોલતા અનંત પટેલે કહ્યું કે દર વખતે આદિવાસી કાંઈ માયકાંગલો કે દબાયેલો રહી શકે નહીં જો તાકાત હોય તો ડેમનો પહેલો પથ્થર આદિવાસી વિસ્તારમાં મૂકી બતાવજો. તેમણે આદિવાસી સમાજના યુવાનોને એક થવા આવાહન કર્યું હતું આ સાથે જ ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે આદિવાસી સમાજના યુવાનોને હાકલ કરી કે આદિવાસી જંગલનો રાજા છે આદિવાસીઓને પોતાનો હક મેળવતા આવડે છે. ધરમપુર વિસ્તારમાં ડેમ બનાવવા દેવામાં નહીં આવે આગામી તારીખ 28 ફેબ્રઆરી ના રોજ ધરમપુર નગરમાં ડેમ ના વિરોધમાં મહારેલી આયોજન કરવામાં આવશે. સમગ્ર સૂચિત ડેમ વિસ્તારના તમામ ગામોના આદિવાસી સમાજના લોકો એકત્ર થઇ વિરોધી રેલીમાં જોડાવા હાંકલ કરવામાં આવી હતી.
ઉપસ્થિત રહેલા તમામ આદિવાસી અગ્રણીઓએ એક સૂરમાં કહ્યું હતું કે પોતાનો જીવ આપી દેવો પડે તો કંઈ વાંધો નહીં પરંતુ આદિવાસી વિસ્તારમાં ડેમ તો નહીં જ બનાવવા દઇએ. આજે આ સભામાં મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયા હતા
.
આજે આ સભા દરમિયાન આદિવાસી એકતા પરિષદના પ્રમુખ કમલેશભાઈ પટેલ વાંસદાના ધારાસભ્ય અનંતભાઇ પટેલ, ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ, તબાડી ગામના ડેપ્યુટી સરપંચ ભયલું ભાઈ, કાશીનાથ ભાઈ પૈખેડ, ભાજપ અગ્રણી કેશવ જાદવ, વાંસદા નિર્પણ તાલુકા પંચાયત સભ્ય વિજય ભાઈ પટેલ,આદિવાસી એકતા પરિષદ ના વાંસદાના ચિરાગ ભાઈ ,દિગ્વિજયભાઈ સરપંચ ચોરવણી,બોપી ગામના માજી સરપંચ મણિલાલ ભાઈ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા