બ્રિટનમાં એક મહિના પહેલા દેખા દીધેલા કોરોનાના નવા સ્વરૃપને કારણ દુનિયાના અનેક દેશોએ તેની સાથેનો વ્યવહાર બંધ કરી દીધો હતો. જો કે, વેપાર સહિતના કામો માટે વિમાની અવરજવર ચાલુ રખાઈ હતી. આ ઘટના બાદ બ્રિટન સરકાર દ્વારા દેશમાં કોરોના સંક્રમણને રોકવા તમામ પગલા ભરવા સાથે સાવચેતી રાખવમાં આવી રહી છે. દરમિયાન કેટલાક દેશમાં નવા સ્ટ્રેન દેખાયા હોવાના અહેવાલો છે. જેને પગલે કોરોનાનાં નવા પ્રકારનાં વાઈરસનો બ્રિટનમાં પ્રવેશ રોકવા પીએમ બોરિસ જોહન્સને તમામ પ્રવાસીઓ માટે યુકેનાં તમામ ટ્રાવેલ કોરિડોર બંધ કરવા આદેશ કર્યા છે. બ્રાઝિલમાં કોરોનાનો નવો વાઈરસ મળી આવ્યા પછી યુકે દ્વારા સાઉથ આફ્રિકા, પોર્ટુગલ તેમજ અન્ય કેટલાક દેશોનાં પ્રવાસીઓ અને ફ્લાઈટ્સની અવરજવર ઉપર પ્રતિબંધ મુકતો નિર્ણય કરાયો છે. આગામી 18મી જાન્યુઆરીએ સોમવારે સવારે ૪ કલાકથી પ્રતિબંધો લાગુ થઈ જશે. બ્રિટનમાં જાહેર થયેલા નવા નિયમો મુજબ બ્રિટન આવતા તમામ પ્રવાસીએ ૭૨ કલાક પહેલાનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત યુકેમાં ૧૦ દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે.
પ્રવાસી તમામ પ્રકારે સ્વસ્થ હોય તો આઈસોલેશનનો સમય ઘટાડવા પ્રવાસી પાંચ દિવસ પછી ફરી કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. હાલ યુકેમાં કોરોનાના કુલ કેસ ૩૩,૨૫,૬૪૨ થઈ ગયા છે. જયારે વિશ્વમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૯,૪૪,૨૧,૦૧૭ થઈ ગઈ છે. કોરોનાને કારણે વિશ્વમાં ૨૦ લાખથી વધુ લોકોનાં મોત થયા છે. કોરોનાની સારવાર લઈને ૬,૭૪,૬૩,૪૮૦ લોકોને રિકવરી પણ આવી છે. જો કે, આજે પણ એક્ટિવ કેસની સંખ્યા ૨,૪૯,૩૭,૨૮૩ હોવાથી કોરોનાનું સંકટ પુરેપુરુ ટળ્યુ નથી. શનિવારે સાંજ સુધીના ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭,૬૧,૪૪૬ કેસ નોંધાયા હતા. જયારે આ જ સમયગાળામાં ૧૪,૮૮૫ દર્દીના મોત થયાનુ નોંધાયું હતુ. અમેરિકામાં તો શનિવારે કોરોનાના નવા ૨,૪૮,૦૮૦ કેસ નોંધાવા સાથે ખળભળાટ મચી ગયો હતો. મેક્સિકોમાં ૨૪ કલાકમાં નવા ૨૧,૩૩૬ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. એક જ દિવસમાં શનિવારે મેક્સિકોમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના સંક્રમિતો મળ્યા હતા. જયારે અહીં ૧૧૦૬ લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા હતા. આ જ સમયગાળામાં રશિયામાં ૨૪,૦૦૦થી વધુ લોકોને કોરોના હોવાના રિપોર્ટ આવ્યા હતા.