માર્ચ 2020 પછી જમ્મુ કાશમીર સહિત સમગ્ર ભારતમાં લદાયેલા પ્રતિબંધોને કારણે પર્યટન ઉદ્યોગને પણ મોટી અસર થઈ હતી. કોરોનાને પ્રસરતો રોકવા માટે લોકોને ઘરે જ રહેવા સુચના જારી કરાતા કાશ્મીર સહિત દેશના તમામ પર્યટન સ્થળો પણ બંધ કરી દેવાયા હતા. જો કે, સરકારી દાવા પ્રમાણે દેશમાં હવે સ્થિતિ થાળે પડવા માંડી છે. વેકસીનેશનના આરંભ થયા બાદ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આ સાથે ધીમે ધીમે કોરોનાની ગાઈડલાઈન મુજબ લદાયેલા પ્રતિબંધો દૂર થતાં રેસ્ટોરન્ટ, હોટલ, પર્યટન સ્થળો ધીરે ધીરે ખૂલી રહ્યા છે. કાશ્મીરમાં પણ હવે પર્યટકોને સુવિધા મળી રહે તે દીશામાં કામગીરી કરાય રહી છે. કાશ્મીરના ગુલમર્ગમાં કોલાહોઈ સ્કી રિસોર્ટ, પરિસરમાં એક નવું Igloo Cafe ખૂલ્યા બાદ તે હવે મીડિયા અને સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે. સોશિયલ મીડિયામાંઆ Igloo Cafeની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ Igloo Cafe લગભગ 15 ફૂટ ઊચું અને 26 ફૂટ ગોળ છે. દીવાલ પર એક ધનુશાકાર દ્વારા અને પેટર્ન સાથે આ અનોખા કેફેમાં 4 ટેબલ અને લગભગ 16 મહેમાન એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા છે.
આ Igloo Cafeમાં બરફ અને બરફથી બનેલા ટેબલ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. હોટલ માલિકે પહેલા માત્ર પર્યટકોને આકર્ષિત કરવાના ઇરાદે ઇગલું બનાવવા વિચાર્યું હતુ. પરંતુ ગુલમર્ગમાં થયેલી બરફવર્ષા બાદ તેણે તેના આયોજનમાં ફેરફાર કર્યો હતો. હોટલ માલિકે આ અંગે કહ્યું હતુ કે, આ ઈગલુ કેફેના નિર્માણ માટે 20 મજૂરોએ 15 દિવસ સતત પરિશ્રમ કર્યો છે. હવે Igloo Cafeને સામાન્ય લોકો માટે શરૃ કરી દેવાયું છે. આ કેફેમાં ચા-નાસ્તો અને લંચ-ડિનર કરવાનું લોકો પસંદ કરી રહ્યા છે. ઈગલુ કેફેની વાત જાણીને પર્યટકો જ નહીં, સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ કેફેમાં આવતા ગ્રાહકોને ગરમ, ગરમ ભોજન પીરસવામાં આવે તેનું ખાસ ધ્યાન રખાય રહ્યું છે. હોટલ વ્યવસાયીઓ પર્યટકોને આકર્ષવા માટે અને તેની સફરને યાદગાર બનાવવા માટે નવાં નવાં અનુભવો કરાવવાના પ્રયત્ન કરી રહ્યા છે.