છેલ્લા એક સપ્તાહથી સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં વાતાવરણ પલટાઈ ગયું છે. ચાર દિવસ પહેલા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ, વાવાઝોડું ફુંકાયું હતુ. આ જ સમયે વલસાડ જિલ્લાના કપરાડામાં બરફના કરા સાથે વરસાદ થયો હતો. જયારે મંગળવારે મોડી સાંજે અમદાવાદમાં વાતાવરણમાં બદલાવ થયો હતો અને જોરદાર પવન ફૂંકાયો હતો. સમગ્ર શહેરમાં ધુળની ડમરીઓ ઉડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે, રાજ્યમાં હજી પણ વરસાદની શકયતા છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, સુરત, નર્મદા, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે. કેટલાક દિવસોથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચકાયો છે. રાજ્યમાં એક સપ્તાહથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તો કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં જો વરસાદ આવશે તો ખેતીને મોટાપાયે નુકસાન થશે. હાલ કેરીનો પાક પણ તૈયાર થયો છે. વરસાદ પડે તો કેરી વેચાણમાં ખેડૂતોનો મોટો આર્થિક ફટકો પડશે. આ સાથે જ ઉનાળુ ડાંગર સહિતના ખરીફ પાકને વરસાદથી માઠી અસર થઈ શકે છે. જેને પગલે હવામાન ખાતાની આગાહી બાદ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.