અમદાવાદમાં રંગીલા બિલ્ડરે તેને ત્યાં કામ કરતી નિકોલ વિસ્તારની 22 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ કર્યાની ઘટના 10 દિવસ પહેલાં ભારે ચર્ચામાં રહી હતી. જો કે, યુવતીની લેખીત ફરિયાદ બાદ પોલીસને મામલો રફેદફે કરાવવા બિલ્ડરે ખુલ્લી પૈસાની ઓફર કરી હતી. સાથે જ બિલ્ડરની દીકરીના લગ્ન ડીસેમ્બરમાં ગોઠવાયા હોવાથી ઈજજત થવાનો ડર હોવાથી આ કેસમાં યુવતીને સમાધાન કરાવવા બિલ્ડરે તમામ પ્રયાસ કર્યા હતા. હવે આ કેસમાં પાંચ કરોડમાં પતાવટ થઈ ગયાનું બહાર આવ્યું છે. મળતી વિગતો મુજબ અમદાવાદના બિલ્ડર સુરેશ ગેવરિયાએ તેની ઓફિસમા કામ કરવા માટે નિકોલ વિસ્તારની એક યુવતીને નોકરીએ રાખી હતી. જે બાદ એક દિવસ તેણે તે યુવતીને દારૂ પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. યુવતીને તે બિલ્ડર અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો જયાં પણ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આખરે યુવતી બિલ્ડરની હવસથી કંટાળી હતી અે તેણે પોલીસનું શરણું લીધું હતુ.
જો કે, પોલીસે આખો કેસ બિલ્ડર સાથે સંકળાયેલો હોવાથી ગુનો નોંધવાને બદલે પહેલેથી સમાધાનની દીશામાં કવાયત કરી હતી. બિલ્ડર પણ આ કેસને ગમેતેમ કરીને રફેદફે કરાવવા રાજુ બાવીસી નામના શખ્સ અને પોલીસે બિલ્ડર પાસેથી પાંચ કરોડ રૂપિયા લઈને ખેલ કર્યાનું ચર્ચામાં છે.
આ ખેલમાં દુષ્કર્મ પીડિત યુવતીને માત્ર 51 લાખ આપવામાં આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે, યુવતીને રકમ લેવા માટે ખુદ પોલીસે જ મજબૂર કરી છે. રાજુ બાવીશી નામનો શખ્સ નિકોલમાં જ રહે છે. જેણે જ યુવતીને બિલ્ડર સુરેશ ગેવરિયાની ઓફિસમાં નોકરી અપાવી હતી.
યુવતીના પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હોવાથી બિલ્ડરને ખુશ રાખીશ તો તારી જિંદગી બની જશે તેવી સુફયાણી સલાહ પણ આ રાજુ બાવીશીએ યુવતીને આપી હતી. બીજી તરફ લાચર યુવતી નોકરી માટે તૈયાર થઈ હતી. પરંતુ તેને ખબર ન હતી કે તેણે આ નોકરીમાં તેની લાજ પણ લુટાવી દેવી પડશે. પાંચ મહિના સુધી દારુ પીવડાવીને બિલ્ડરે તે યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
બિલ્ડર તેના મિત્ર ભરત કોલસી સાથે ઘરોબો ધરાવતો હતો. તેથી ભરત કોલસીના દહેગામ રોડ પર આવેલાં ફાર્મ હાઉસમાં સુરેશ તે યુવતી સાથે દુષ્કર્મ આચરતો હોવાનું બહાર આવ્યું છે. કહેવાય છે કે, અમરેલી અને આસપાસના વિસ્તારોમાં રહેતી નોકરી શોધતી યુવતીઓને રાજુ અમદાવાદ લઈ આવતો હતો. જે બાદ યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવી બિલ્ડરોને સોંપીને તે પૈસા કમાતો હતો. આ કેસમાં પણ બાવીશીએ પોલીસને લાલચ આપી 5 કરોડમાં સમાધાન કરાવ્યું હોવાનું કહેવાય છે. જો કે, યુવતીને માત્ર 51 લાખ મળ્યા છે. ત્યારે સાડાચાર કરોડ પોલીસ અને સમાધાન કરાવવામાં ભૂમીકા ભજવનારાઓ જમી ગયા હોવાનું સ્પષ્ટ થયું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ બાબતે તપાસ કરાવે તે આવશ્યક છે.