અમદાવાદમાં છેલબટાઉ યુવાનની પત્નીએ તેના ખોટા ડોક્યુમેન્ટ બનાવી લગ્ન કર્યા હોવાનો આક્ષેપ કરી પતિ સામે જ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. પત્નીના આ આરોપ સાથે જ તેઓના 21 વર્ષના લગ્ન જીવનનો અંત આવનાર છે.
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાધાબહેન થાનકીએ પતિ રાજેશ ભાઈ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ એક યુવાનની પત્નીએ પતિ પર ત્રણ લગ્ન કર્યા છે. 14.12.1999ના રોજ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા રાજેશે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને તેની સાથે લગ્ન કર્યા હતા. 21 વર્ષના લગ્ન જીવનમાં તેઓને બે સંતાન છે.
રાજેશ અન્ય યુવતી સાથે પણ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો હતો. દરમિયાન એમ.પી.ની ગરિમા નામની યુવતીને મેટ્રો મોનિયલ સાઇટ પર ખોટા ડોક્યુમેન્ટ પરથી લગ્ન કરવા સંપર્ક કર્યો હતો. આ યુવતીએ તપાસ કરતા રાજેશ અગાઉથી પરિણીત હોવાનો ભાંડો ફુટી ગયો હતો. તેથી તે યુવતીએ રાજેશ સાથે લગ્ન કરવાનું ટાળ્યું હતુ.
વધુમાં તે યુવતીએ રાજેશની પત્ની રાધાનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જે બાદ રાધાબહેને તપાસ કરી તો પતિના બીજા બે લગ્ન થયાની તેને જાણકારી મળી હતી. ફરિયાદ બાદ પોલીસે તપાસ કરી તો તે પણ ચોંકી ઉઠી હતી. રાજેશ લગ્નના બે-ત્રણ વર્ષ બાદથી સતત ઘરની બહાર રહેતો હતો. ટ્રાન્સપોર્ટના વેપાર સાથે સંકાળાયેલો હોવાથી પરિવારને શંકા જતી ન હતી. તકનો લાભ ઉઠવાતો રાજેશ અન્ય યુવતી સાથે લગ્ન કરવાની ફિરાકમાં રહેતો હતો. રાધા બહેને કરેલી તપાસમાં પતિ રાજેશના પર્સમાંથી રાહુલ દવે નામનું લાયસન્સ અને પાન કાર્ડ હાથ લાગ્યું હતુ. આ કાગળઓની તપાસ પણ પોલીસ કરવા માંડી છે. રાધાબહેને આ બાબતે પૂંછતા લિકર પરમિશનનું લાયસન્સ મેળવવા માટે આ ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યાનું રાજેશે કબૂલ્યું હતુ. ગરિમા નામની એક યુવતીના ફોન કોલ બાદ રાધાબહેનને પતિના કરતૂતોની જાણ થઈ હતી. જો કે, ફરિયાદ બાદ આરોપી ઔરંગાબાદ તરફ ભાગ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.