ગુજરાતમાં માર્ગદર્શિકા જારી કરીને સરકાર કોરોના સંક્રમમને રોકવા પ્રયાસરત છે. માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું બે મુખ્ય ગાઈડલાઈન છે. પરંતુ કેટલાય લોકો આ નિયમનું પાલન કરતા નથી. જેને કારણે અત્યાર સુધીમાં કરોડો રૃપિયાનો દંડ પણ વસુલાયો છે. 2 મહિનાથી રાજ્યના મોટા શહેરોમાં રાત્રિ કર્ફયૂ હોવાથી હવે ધીમે ધીમે કેસની સંખ્યા પણ ઘટી રહી છે. આવા સમયે હવે કેટલાક લોકો માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન નથી કરતા. રાજ્યમાં અવાર નવાર પોલીસકર્મીઓને માસ્ક ન પહેરનાર વ્યક્તિને દંડ કરવા પણ આદેશ કરેલા છે. જેને કારણે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના કિસ્સા બહાર આવી રહ્યા છે. માસ્કનો દંડ નહીં ભરવા માટે ગુરુવારે અમદાવાદમાં એક મહિલાએ પોલીસકર્મી સાથે તકરાર કરી હતી. ઉદ્ધતાઈપૂર્વક તે મહિલાએ પોલીસનો કોલર પકડી લીધો હતો અને ધક્કો મારીને જમીન પર પટકી દીધા હતા. આટલું ઓછુ હોય તેમ આ બેફામ જણાતી મહિલાએ તે પોલીસ કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકાવવાની ધમકી પણ આપી હતી.
ઘટના બાદ પોલીસે મહિલા અને તેની સાથે આવેલા સાગરીતોની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો. રખિયાલ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એચ ડિવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માસ્ક વગરના લોકો પાસેથી દંડ લઈ રહ્યા હતા. ત્યારે અજીત મિલ ચાર રસ્તા તરફથી આવતી એક કારમાં માસ્ક વગર બેસેલી મહિલાને પોલીસે અટકાવી હતી. જે બાદ મહિલાને એક હજાર રૂપિયાનો દંડ ભરવા માટે કહેવાતા જ તે ઉશ્કેરાઈ ગઈ હતી. મહિલાએ પોલીસની સાથે ગેરવર્તન કરતા માસ્કનો દંડ નહીં ભરું જે થાય તે કરી લો, તેમ કહીને કોલર પકડી લીધો હતો. મહિલાએ પોલીસ કર્મચારીને નોકરીમાંથી પણ કઢાવી મુકવાની ધમકી આપી હતી. આખરે અન્ય પોલીસકર્મીઓએ ત્યાં પહોંચી મહિલાને અટકમાં લઈ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં ધરપકડના ડરથી મહિલાની સાથે રહેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જો કે, પોલીસે તે મહિલાના સાથીદારોની અટકાયત કરી હતી. આ સમયે માસ્ક ન પહેરનાર મહિલાએ રોષે ભરાઈને પોલીસકર્મીનો કોલર પકડી લીધો હતો અને નીચે પટકી દઈ તોફોન મચાવ્યું હતુ.