અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની ચૂંટણીમાં શહેર પોલીસે લોકોની નારાજગી ટાળવા સાથે રાજકીય નેતાઓને ખુશ કરવા માસ્કનો દંડ કરવાનું ટાળી દીધું હતુ. કોરોના કાળમાં લોકોને માસ્કને નામે દંડ વસુલવામાં ભારે કડકાઈ દાખવાઈ હતી. જેને કારણે લોકોમા વ્યાપક નારાજગી હતી. આવા સંજોગોમાં રવિવારે અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. આ દિવસે વ્યસ્ત હોવાથી પ્રજાને માસ્કના દંડમાં રાહત મળી છે. સામાન્ય દિવસોમાં શહેર પોલીસ દ્વારા માસ્કને નામે દરરોજ ૨૦૦ લોકો પાસેથી દંડ લેતી હતી. આથી ચૂંટણીપ્રચાર દરમિયાન અન્ય રાજકીય પક્ષો અને પ્રજાએ ભાજપના નેતાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. રવિવારે ચુંટણી હોવાથી રાજકારણીઓને ખુશ રાખવા પોલીસે દંડ વસુલી બંધ રાખી હતી. પોલીસના આ વલણ માટે સરકારે આદેશ આપ્યાનું પણ ચર્ચામાં છે. કોરોનાને લીધે ગુજરાત સરકાર દ્વારા માસ્ક નહીં પહેરનાર પાસેથી કરોડો રૃપિયા ઉઘરાવી લેવાયા છે. એક કિસ્સામાં એક હજાર રૂપિયા દંડ ફટકારવાની જોગવાઈ કરીને સરકારે તિજોરી ભર્યે રાખી છે. અમદાવાદ પોલીસે દરરોજ ટાર્ગેટ સાથે દંડ વસૂલવાનું ચાલુ કર્યુ હતુ. બીજી તરફ માસ્ક વગર ફરતા અને માસ્ક નીચે ઉતરીયુ ગયુ હોય તેમાં પણ દંડ વસૂલતા હતા. તેથી ચુંટણીમાં તેની અસર દેખાય તેવી શકયતા હતી.