ભારત સહિત સમગ્ર વિશ્વમાં વસતા કરોડો હિંદુઓ ભગવાન શ્રીરામમાં ભારે આસ્થા ધરાવે છે. અયોધ્યામાં રામજન્મભૂમિનો વિવાદ 250 વર્ષ પછી ઉકેલાતા આજે મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગીમી ઓક્ટોબર મહિના સુધીમાં મંદિરના પાયાની કામગીરી પૂરી થઈ જશે. ભારતની એન્જિનિયરિંગ સંસ્થાનોના શ્રેષ્ઠ ઇજનેરો દ્વારા રામમંદિરના પાયાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી દેવાઈ છે. ઓક્ટોબરમાં પાયાનું કામ પૂર્ણ થયા બાદ નવેમ્બર મહિનાથી બાઉન્ડ્રી વોલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાશે. વર્ષ ૨૦૨૩ સુધીમાં ગર્ભગૃહનું નિર્માણકાર્ય પુરુ કરવા આયોજન કરાયું છે. રામ મંદિરમાં રામલલા, સીતામાતા અને લક્ષ્મણજી પ્રતિમાને સ્થાપિત કરાશે. હાલ રામલલા, સીતામાતા અને લક્ષ્મણજી પ્રતિમાઓને અન્ય જગ્યાએ મુકી તેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.
રામમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાના જણાવ્યા પ્રમાણે ૨૦૨૦ના ઓગસ્ટ માસમાં રામમંદિરનું ભૂમિપૂજન કરાયું હતુ. તેવો જ કાર્યક્રમ ગર્ભગૃહમાં પ્રતિમાઓના સ્થાપન સમયે પણ યોજાશે. રામમંદિરની કામગીરી પૂર્ણ કરવા માટે લાર્સન એન્ડ ટુબ્રો સાથે ચાર વર્ષનો કરાર કરાયો છે. જો કે, કામગીરીમાં થોડો સમય લંબાઈ શકે છે. આવા સંજોગોમાં સૌથી પહેલાં ગર્ભગૃહમાં પ્રતિમાઓની સ્થાપના કરીને મંદિરને દર્શન માટે ખુલ્લું મૂકી દેવા વિચારણા ચાલી રહી છે. જો કે, આ અંગે હજી કોઈ પાકો નિર્ણય લેવાયો નથી. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪માં ભારતમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણીમાં ભાજપ અયોધ્યામાં રામમંદિરન મુદ્દાને આધારે વિજય મેળવવાની નેમ રાખે છે. ૨૦૨૪માં ભાજપ ચૂંટણી પ્રચાર દરમિયાન અયોધ્યામાં રામમંદિર નિર્માણનું દાયકાઓ જૂનું વચન પાળ્યું હોવાનો દાવો પણ કરનાર છે. ભાજપને આશા છે કે, આ મુદ્દો ફરી એકવાર તેને સત્તાના સિંહાસન સુધી પહોંચાડશે. આજ કારણોસર રામ મંદિર ટ્રસ્ટ પાસે ગર્ભગૃહ અને પાયાની કામગીરીમાં ઝડપ કરાવવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં મોંઘવારી, ફુગાવો, બેરોજગારી જેવા મુદ્દા ભાજપને નુકસાનકારક હોવાથી આગામી ચૂંટણીઓમાં રામ મંદિરનો સહારો લેવાની કવાયત થઈ રહી છે.