ગુજરાતમાં ખેતી સાથે વિકસેલા પશુપાલન વ્યવસાય પર લાખો લોકો નિર્ભર છે. પશુપાલન સાથે જ રાજ્યમાં ડેરી ઉદ્યોગ પણ વિકસ્યો છે. જેને કારણે ગામડા આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે. ગુજરાતમાં વર્ષોથી દૂધ મંડળીઓ અને જિલ્લા સ્તરે મોટી દૂધ ડેરી કાર્યરત છે. આ ડેરીમાં દૂધ ભરનારાઓને સારી એવી આવક મળી રહી છે. હાલમાં બનાસડેરી સાથે જોડાયેલી એક મહિલા કરોડપતિ થઈ ગઈ છે. 2020-21માં સૌથી વધુ દૂધ ડેરીમાં ભરીને વિક્રમજનક આવક મેળવનારાઓની યાદી બનાસકાંઠા ડેરીએ જાહેર કરી છે. જેમાં બનસાકાંઠાની 10 મહિલા પશુપાલકોના નામ જાહેર કરાયા છે. જેમાં વર્ષ 2020-21માં સૌથી વધુ દૂધ વેચીને વિક્રમજનક આવક પ્રાપ્ત કરનાર 10 મહિલા પશુપાલકોને ઈનામ અપાયા છે. “શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી” અંતર્ગત અને દરેક તાલુકા કક્ષાએ સૌથી વધુ કમાણી કરનાર ટોપ ત્રણ મહિલાઓને “બનાસ લક્ષ્મી” અંતર્ગત આ ઇનામ અપાયું છે.
બનાસડેરીએ જે 10 ટોપટેન મહિલા પશુપાલકોના નામ જાહેર કર્યા છે. તેમાં ચૌધરી નવલબેન દલસંગભાઈએ 1 કરોડથી વધુ, ચાવડા હંસાબા હિમંતસિંહએ 77.80 લાખથી વધુ, રબારી દેવિકાબેન પુનમભાઈએ 72.79 લાખથી વધુ, ચૌધરી સેજીબેન વજાજીએ 71.85 લાખથી વધુ તથા સાલેહ મૈસરાબેન અમીનજીએ 67.28 લાખથી વધુની આવક મેળવી છે. આ ઉપરાંત ચૌધરી મધુબેન વિરજીભાઈએ 60.45 લાખથી વધુ, રાજપૂત કેશીબેન ગુલાબસિંહએ 58.64 લાખથી વધુ, વાગડા કેશીબેન વાલાભાઈએ 57.86 લાખથી વધુ, લોહ ગંગાબેન ગણેશભાઇએ 53.62 લાખથી વધુ તથા રાજપૂત મધુબેન ચંદનસિંહને 46.40 લાખથી વધુની આવક મેળવી છે. એટલે કે, આ મહિલાઓ પશુપાલન વ્યવસાય દ્વારા દર મહિને ૪-૭ લાખ સુધીની આવક મેળવી છે. બનાસડેરી દ્વારા બનાસકાંઠાના દરેક તાલુકામાં પ્રથમ ત્રણ સૌથી વધુ દૂધ ભરાવીને કમાણી કરનાર મહિલાઓને પ્રમાણપત્ર સાથે ચેક આપીને સન્માનિત કરવામાં આવી છે. આ સાથે જ બનાસકાંઠાના પશુપાલકોએ દુધના વ્યવસાય કરતા દેશના લાખો લોકો માટે પ્રેરણા આપી છે. બનાસકાંઠા જિલ્લો આમ પણ ખેતી અને પશુપાલન પર જ નિર્ભર છે. આ જિલ્લામા અભણ મહિલાઓ પશુપાલન ક્ષેત્રમાં જોતરાઈ છે. મહેનત અને ધગશ સાથે મહિલાઓએ કામ કરતા આટલી આવક મળી શકી છે.