ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ આંબાવાડી વૃદ્ધાશ્રમ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરી’ *“પરંપરાને બહુમાન આપી ટ્રસ્ટી અને વડીલોના પુત્ર તરીકે અમે ઉત્સાહભેર દિપાવલીના પર્વની ઉજવણી કરવા આ વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યા છીએ. ” દર વર્ષની પરંપરાને આ વર્ષે પણ ચાલુ રાખતા ભાવનગરના લોકલાડીલા શિક્ષણ મંત્રી શ્રી. જીતુભાઈ વાઘાણીએ આંબાવાડી વૃદ્ધાશ્રમ ખાતે દિપાવલીના પાવન અવસરે આશ્રમમાં રહેતા વડીલો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. મંત્રીશ્રીએ વડીલશ્રીઓનું મોં મીઠું કરી આશીર્વાદ મેળવીને આવનારા નૂતન વર્ષ માટે શુભકામનાઓ પાઠવી હતી. શ્રીમતી ગુલાબબેન હરીભાઇ શાહ વૃદ્ધ નિકેતનનાં ૨૫૦ જેટલા વડીલોને મંત્રિશ્રીના હસ્તે મીઠાઇ સહિત વસ્તુઓની કિટ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મંત્રી એ જણાવતા કહ્યું હતું કે, લોકપ્રતિનિધિ બન્યા અગાઉથી આ વૃદ્ધાશ્રમમાં દિપાવલીની ઉજવણી કરવાનો નિયમ તેમણે જાળવી રાખ્યો છે. ૫૨ વર્ષ જૂનું આ ટ્રસ્ટ અનેક વડીલ વડલા સમાન આધાર તથા ઘર છે. આ પર્વે વડીલોની નાની મોટી આવશ્યક્તાને સંતુષ્ટ કરવાની પુણ્યતા પ્રાપ્ત કરીને મને આનંદ થાય છે. આ પ્રસંગે વડીલોએ મંત્રી ઓવારણાં લઈને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સાથે દેશની સરહદે રહીને માતૃભૂમિની સુરક્ષા માટે રાત દિન જાગતા, પોતાના જીવની પરવા કર્યા વિના દેશવાસીઓની સલામતી માટે ખડે પગે રહેનાર એવાં નિર્ભય જવાનોના પરિવાર અને તેમના સભ્યો વચ્ચે પણ શિક્ષણમંત્રીશ્રીએ મીઠાઇ વિતરણ કરી તેમજ વીડિયો કોલિંગના મધ્યમથી આ પર્વનાં આનંદને જવાનોના પરિવારો સાથે સહભાગી થઈને વહેંચ્યો હતો. આ પ્રસંગે શિક્ષણમંત્રી સહિત ટ્રસ્ટના પ્રમુખ નિલાબેન ઓજા, ઉપપ્રમુખ. સુનિલભાઈ વાડોદરીયા, મંત્રીશ્રી દેવેનભાઇ સેઠ તથા ટ્રસ્ટીશ્રી ભરતભાઇ શાહ, શ્રી કિર્તિભાઈ સગાપરા અને લતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.