ભારતમાં કોરોના મહામારીને કારણે હવે બિહાર અને યુપી સહિતના વિસ્તારમાં સ્થિતિ કથળી રહી છે. રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવા સાથે મરણાંક વધ્યા બાદ કોરોનાના કેસ ઉત્તરભારતમાં વધી રહ્યા છે. બિહારના બક્સર અને તેની આસપાસના વિસ્તારમાં પણ કોરોના તરખાટ મચાવી રહ્યો છે. જેનો પુરાવો સોમવારે ગંગાનદીમાં વહેતી માનવલાશોએ આપી દીધો હતો. આ પહેલાં ઉત્તર પ્રદેશમાં ગત શુક્રવારે અનેક માનવ લાશ બે નદીમાં તરતી દેખાતા સરકાર સુધી ખળભળાટ મચી ગયો હતો. જે બાદ તંત્રએ લૂલો બચાવ કરતા લોકો નદીમાં લાશને વિસર્જિત કરવાથી મૃતકોને મોક્ષની પ્રાપ્તી થતી હોવાનું માન આમ કરી રહ્યાનું જણાવ્યુ હતુ.
જયારે યુપી બાદ આ જ પ્રકારના દ્રશ્યો બિહારમાં સોમવારે જોવા મળ્યા હતા. બિહારના બકસર વિસ્તારમાંથી પસાર થતી ગંગા નદીમાં સોમવારે ૧૫૦થી વધારે મૃતદેહો તણાયને જતા નજરે પડતા અફરાતફરી મચી ગઈ હતી. રવિવારે જ બક્સરના એક સ્મશાનઘાટ ઉપર ૭૬ અંતિમ ક્રિયા કરાઈ હતી. જ્યારે ૧૬ મૃતદેહોને ગંગામાં વહાવી દેવાયા હતા. એ જ રીતે ઉત્તરપ્રદેશમાં યમુના નદીમાં પણ ઢગલાબંધ લાશો છેલ્લા અઠવાડિયાથી જોવા મળી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોરોનાગ્રસ્ત મૃતદેહો છેલ્લાં કેટલાક સમયથી નદીમાંથી છોડી દેવાય છે. તેથી દરરોજ નદીમાંથી અનેક મૃતદેહ તણાયને જતા દેખાયા છે. તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. બિહાર-ઉત્તરપ્રદેશ સરહદે આવેલા ચૌસા ગામે નદીકિનારે મહાદેવ ઘાટ ખાતે ૪૫ ક્ષત-વિક્ષત થઇ મૃતદેહો પણ મળી આવ્યા હતા. એ જ રીતે બિહારના બક્સર પાસેના એક ગામે ૫૦થી વધુ મૃતદેહ મળતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આ સિવાય નદીમાં છૂટા છવાયા મૃતદેહો પણ તણાઈને આવતા હતા.
ઘટનાની જાણ થતાં બિહાર બકસરના સ્થાનિક વહીવટીતંત્રએ ખુલાસો કર્યો હતો કે, ઉત્તરપ્રદેશમા કોવિડને કારણે મોતને ભેટતા લોકોની લાશને નદીમાં છોડી દેવાય છે. આ લાશ તણાતી તણાતી ચૌસા સુધી આવી પહોંચે છે. લાશના અંતિમ સંસ્કાર માટે જગ્યા કે લાકડાં નહીં મળતા લાશને ગંગા નદીમાં વહાવવામાં આવી રહી છે અધિકારીઓએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે, આ મૃતદેહો ઉત્તરપ્રદેશના બહરાઇચ, વારાણસી કે અલ્હાબાદ વિસ્તારમાંથી આવી રહ્યા છે કે કેમ તે વિશે તપાસ ચાલુ કરાઈ છે. બીજી તરફ કેટલાક અધિકારીઓએ ગંગાનો તટ અને પટ મોટો હોય, તેના કિનારે ઘણા રાજ્યો આવે છે. તેથી કયા રાજ્યમાંથી આ મૃતદેહો આવી રહ્યા છે તે કહેવું મુશ્કેલ છે.
ગામડાઓમાં લોકોએ જણાવ્યું હતું કે, અહીંયા છેલ્લાં એક અઠવાડિયાથી કોરોનાના કારણે અધધ મોત થયા છે. અહીંયા રાત-દિવસ સ્મશાનોમાં ચિતાઓ સળગતી રહે છે અને હવે સામગ્રી ઘટી રહી છે. અંતિમક્રિયા માટે જગ્યા નથી અને સાધન સામગ્રીનો પણ અભાવ છે. તેથી લોકો પોતાના સ્વજનોની લાશને આ પ્રકારે નદીમાં વહાવી દેવા લાચાર બન્યા છે.