ભારતમાં કોરોનાની બીજી લહેરથી આખા દેશમાં અરાજકતાનો માહોલ ઉભો થયો છે. દેશની હોસ્પિટલમાં દવા, ઈન્જેકશન તથા ઓક્સિજન સુદ્ધાની અછત છે. આવા સંજોગોમાં દરરોજ સારવાર વિના અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના સામેના જંગમાં રસીકરણ અભિયાન પણ મંદ પડી જતાં કોરોનાએ તેનો હુમલો તેજ કરી દીધો છે. ભારતમાં સર્જાયેલા દારુણ સ્થિતિને પગલે દુનિયાના અનેક દેશોએ મદદ માટે હાથ લંબાવ્યો છે. આ સાથે જ કલાકારો, ખેલાડીઓ પણ મદદ કરી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પેટ કમિન્સ, બ્રેટ લી, શિખર ધવન તથા સચિન તેંડુલકરે મોટી રકમનું દાન આપ્યું હતું. જે બાદ હાલમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મદદ કરવા તૈયારી દાખવી છે. મુંબઇ ઇન્ડિયન્સ ટીમના હાર્દિક પંડ્યા તથા કૃણાલ પંડયાએ ગ્રામ્ય વિસ્તારોમાં મદદ થાય તે માટે 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાનમાં આપવા જાહેરાત કરી છે.
હાર્દિક પંડ્યાએ દેશના ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સિજન કનસંટ્રેટર દાન કરવાનો નિર્ણય કરતા કહ્યુ હતુ કે, ભારતમાં વકરી સ્થિતિથી વ્યથિત છુ. મહામારી સામેની લડતમાં દરેકે યોગદાન આપવું જોઈએ. તેથી જ તેઓએ હવે મદદ કરવા હાથ લંબાવ્યો છે. દેશ અત્યારે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. કપરા સમયમાં પણ અડીખમ સેવા આપી રહેલા મેડિકલ સ્ટાફ, ફ્રન્ટલાઇન વર્કસ સહિત તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ, જેઓ કોવિડ-19ના જંગમાં સાથ આપી રહ્યા છે. હું મારા ભાઇ કૃણાલ તથા માતાની સાથે સમગ્ર પરિવાર કોરોનાપીડિત લોકોને કેવી રીતે મદદરૂપ બની શકીએ તેના વિકલ્પ શોધી રહ્યા છીએ. મારા મતે ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધારે જરૂર છે.
મળતી વિગતો મુજબ આ પહેલાં અજિંક્ય રહાણેએ પણ મહારાષ્ટ્ર સરકારને 30 ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે જંગી રકમનું દાન કર્યું હતુ.