ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલનો એક પણ ઉમેદવાર જીતી ન શક્યો !
વલસાડઃ હજુ તો ગઇ 2 માર્ચે આવેલા ગણદેવી તાલુકા પંચાયતની ચૂંટણીમાં 24 બેઠકમાંથી 23 બેઠક પર વિજય મેળવનાર ભારતીય જનતા પાર્ટી માટે 18મીએ જ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કર્યાનો હરખ હજુ પૂરો થાય એ પહેલાં જ ઇવીએમ અને સિમ્બોલ વિના બીલીમોરા એપીએમસીની ચૂંટણીમાં ઝંપલાવનારી ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલનો કારમો પરાજય થયો છે. ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર- નેતા આ ચૂંટણીમાં જીતી શક્યો ન હતો.
બીલીમોરા એપીએમસીની ચૂંટણી બેલેટ પેપરથી યોજાઇ હતી. યાદ રહે કે 2 માર્ચે ગણદેવી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનારા ભારતીય જનતા પાર્ટીએ પાછલા બારણે બીલીમોરા એપીએમસી ઉપર કબ્જો જમાવવા માટે પરિવર્તન પેનલ જંગમાં ઉતારી હતી. બીલીમોરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચૂંટણીની મત ગણતરી શુક્રવારે યોજાઈ હતી, જેમાં ખેડૂત અને વેપારી વિભાગ ની તમામ 14 બેઠકો ઉપર સહકાર પેનલનો ભવ્ય વિજય થયો હતો.
બીલીમોરા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં ખેડૂત મત વર્ગ- 10 બેઠકો ઉપર 19 અને વેપારી મત વર્ગ-4 બેઠકો ઉપર 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીમાં સહકાર પેનલ અને ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલ વચ્ચે જંગ જામ્યો હતો. ગણદેવી તાલુકાની અમલસાડ, ગડત, ખારેલ, માણેકપુર, ચાંગા-ધનોરી, કેસલી, અંભેટા, નાંદરખા, બીગરી, કલમઠા, બીલીમોરા અને અજરાઇ સહિત 13 સેવા સહકારી મંડળી મતદાર મંડળ પૈકી ખેડૂત વિભાગમાં 99.45 ટકા મતદાન થયું હતું. મતલબ કે કુલ 184 મતદારો પૈકી 183 એ મતદાન કર્યું હતું. જ્યારે વેપારી વર્ગ માં 95.34 ટકા મતદાન થયું હતું એટલે કે 172 મતદારો પૈકી 164 એ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં શુક્રવાર સવારે મત ગણતરી હાથ ધરાઈ હતી.
બેલેટ પેપરથી થયેલી ચૂંટણીમાં મત ગણતરી થતાં ખેડૂત વિભાગમાં સત્તાધારી સહકાર પેનલનાં નરેન્દ્રભાઈ નાયકને 113 મત, ઉમેશ પટેલને 122 મત, કિશોર પટેલને 108, દલુભાઈ પટેલને 118, નરેશ પટેલને 112, મનુભાઈ પટેલને 110, મહેશ પટેલને 105, મોહન પટેલને 117, રઘુભાઈ પટેલને 111, રમેશ પટેલને 116 મત મળ્યા હતા, જ્યારે વેપારી વિભાગ માં રહેમતુલ્લાખાન પઠાણને 84 મત, અશોકકુમાર ભેરવાનીને 102, હરજીતસિંગ લબાનાને 88, રાજેન્દ્રપ્રસાદ શુક્લને 100 મત મળતાં સહકાર પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો.
ભારતીય જનતા પાર્ટીના કયા દિગ્ગજ હાર્યા ?
ઇવીએમ અને ભાજપના સિમ્બોલ વિનાની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો હારી ગયા હતા. બીલીમોરા શહેર ભાજપ મહામંત્રી મનહર ઉર્ફે મનાભાઈ પટેલ, નિલેશ પટેલ, રણજિત પટેલ, ગણદેવી પાલિકામાં કોંગ્રેસના જ્યોતિ દેસાઇને હરાવીને જાયન્ટ કિલર બનેલા કેયુર વશી, જાણિતા એડવોકેટ અને ગણદેવી પીપલ્સ બેન્કના ડિરેક્ટર તુષાર વશી, ગણદેવી તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કેતન નાયક, કૌશિક મહેતા સહિત અગ્રણીઓની હાર થઈ હતી.