ગુજરાતમાં કોરોના સંકટને કારણે હજારો દર્દી હજી પણ મુશ્કેલીમાં જ છે. ત્યાં હવે મ્યૂકરમાઈકોસિસ નામની બિમારીએ મોટી આફત ખડકી દીધી છે. કોરોનાથી સાજા થયા બાદ જે દર્દીઓ ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી સમસ્યા ધરાવતા હોય તેઓ આ રોગનો શિકાર બની રહ્યા છે. અમદાવાદ, સુરત તથા રાજકોટ સહિતના વિસ્તારમાંથી આ રોગના દર્દીઓ નોંધાયા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં ૯૨ અને સિવિલની ડેન્ટલ હોસ્પિટલમાં ૧૫ મળી ૧૦૭ દર્દી નોંધાયા છે. જે દર્દીઓના દાંત-દાઢ સહિત જડબું-તાળવું કાઢી નાંખવું પડયું છે. ગુજરાતના તબીબોના નિવેદન પ્રમાણે રાજ્યમાં કોરોનાની બીજી લહેર પછી હવે મ્યુકરમાઈકોસીસનો રોગ દેખાયો છે. ખાસ કરીને ડાયાબિટીશ અને પ્રેશરની સમસ્યા ધરાવતા દર્દીઓ કોરોનામાં સપડાઈને સાજા થયા બાદ આ રોગનો શિકાર બની રહ્યા છે. હાલ મ્યૂકરના ઉપરા છાપરી કેસો વધી રહ્યા છે. આ રોગની સારવાર માટે પર્યાપ્ત દવાઓ-ઈન્જેક્શનની બજારમાં અછત છે. જેના કારણે ખાનગી હોસ્પિટલો તરફ દર્દીઓએ મજબૂરીવશ વળવું પડી રહ્યું છે. રાજ્ય સરકાર આ રોગ બાબતે ગંભીરતા દાખવે અને દવા તથા ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી માંગ છે.
અમદાવાદ ડેન્ટલ કોલેજના ડીન ડો. ગિરીશ પરમારના જણાવ્યા પ્રમાણે કોરોનાની બીજી લહેર પછી મ્યૂકરના કેસ વધી ગયા છે. અત્યાર સુધીમાં ડેન્ટલ હોસ્પિટલમાં ૧૫ દર્દી એવા નોંધાયા છે કે જેમનો જીવ ઉગારવા માટે દાંત-દાઢ સહિત જડબા-તાળવા કાઢી નાખવાની નોબત આવી છે. આ પ્રકારના રોગની સારવાર માટે ડેન્ટલ હોસ્પિટલમાં વધુ એક નવો વોર્ડ ઊભો કરાયો છે, એટલું જ નહિ પરંતુ કેસો વધી જતા સોમવારથી વધુ એક ઓપરેશન થિયેટર પેરાપ્લેજિયા ખાતે કાર્યરત કરાયું છે. જ્યાં રોજના ચારથી પાંચ ઓપરેશન હવેથી થશે, ડેન્ટલ હોસ્પિટલ ખાતે એક ઓપરેશન થિયેટર છે, જ્યાં રોજના ચારથી પાંચ ઓપરેશન થઈ રહ્યા છે.
બીજી તરફ ખાનગી હોસ્પિટલોના તબીબોના મતે આ રોગના દર્દીઓના શરીરના દરેક અંગોની સફાઈ ખૂબ જરૂરી છે. ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે દવા-ઈન્જેક્શન પૂરાં પાડવા જોઈએ. હાલમાં ઓપરેશન કર્યા પછી દવા મળતી નથી. દવા-ઈન્જેક્શનના અભાવે અધકચરી સારવારથી દર્દીઓની સ્થિતિ વધુ કથળવાની શકયતા રહે છે. એકલા અમદાવાદમાં દાંત-દાઢ સહિત જડબા-તાળવા કાઢી નાખવાના અંદાજે ૭થી ૮ ટકા કેસ એટલે કે ૯૨ જેટલા કિસ્સા નોંધાયા છે. શહેરમાં આશરે ૧૩૫૦થી વધુ મ્યૂકરના દર્દીઓ છે.