ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં આપઘાતના કિસ્સા વધતા તે બાબત સમગ્ર તંત્ર માટે ચિંતાનો વિષય બની છે. આમજનતાના આપઘાત, અકસ્માત, ચોરી, લૂંટ સહિતના ગુનાઓ નોંધી તેને ઉકેલતી પોલીસ હવે ખુદ આપઘાત કરવા પ્રરાઈ રહી હોવાથી અનેક અટકળો પણ ચાલવા માંડી છે. તાજેતરમાં જ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિશાલ ડાભીએ પોતાના રૂમમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
આ ઘટનાથી અમદાવાદ પોલીસ બેડામાં ચકચાર મચી છે. વિશાલ ડાભીએ કામનાં ભારણથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસની નોકરી ૨૪ કલાકની બોલાય છે. જેમાં શારીરિક અને માનસિક દબાણ રહેતું હોય છે. પોલીસ કર્મચારી અને અધિકારીઓએ માનસિક તણાવમાં રહીને જ પોતાની કારકિર્દીને આગળ ધપાવવાની હોય છે.
જો કે આ નોકરીમાં કેટલાક લોકો પોતે નિષ્ફ્ળ રહેશે તેવા ડરથી પોતાના જીવનને ટૂંકાવી નાખતાં હોવાનો તર્ક પણ રજૂ થઈ રહ્યો છે. ગત અઠવાડિયે વલસાડના ડુંગરી રહેતા વાપીના પોલીસ કોન્ટેબલે પોતાના ઘરે નોકરી પર જવા પહેલા ફાંસો ખાધો હતો. જો કે, આ કોન્સ્ટેબલ બિમારીથી પીડિત હોવાનું તેનો પરિવાર કહી રહ્યો છે. આ ઉપરાંત બે મહિના પહેલા ભાવનગરમાં ડીવાયએસપીએ પરિવારને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી હતી. એ જ રીતે સુરતની મહિલા પોસઈ જોષીએ પણ આપઘાત કરી લીધો હતો.
જો કે, આ પોલીસ કર્મચારીઓના આપઘાત અંગે તપાસ બાદ હકીકત સામે આવે તેવી શક્યતા છે. અમદાવાદના વિશાલ ડાભી સિવાય પણ રાજ્યમાં અનેક પોલીસ કર્મચારીઓએ અલગ અલગ કારણોસર આત્મહત્યા કરી છે. છેલ્લાં બે વર્ષના જ લેખાજોખા કરવામાં આવે તો અંદાજે ૨૦ કરતાં વધુ પોલીસ કર્મચારીઓએ પોતાનાં જીવન ટૂંકાવી દીધાં છે. છેલ્લા કેટલાક સમયથી એવી ફરિયાદો પણ ઉઠતી રહી છે કે, પોલીસ ખાતામાં ઉચ્ચ અધિકારીઓ નાના કર્મચારી તેમજ અધિકારીઓ ઉપર શિસ્તના નામે ત્રાસ ગુજારી રહ્યા છે. જેના કારણે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઇ સહિતના પોલીસ કર્મચારીઓ અંતિમ પગલુ લેવા પ્રેરાય રહ્યા છે.