ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાના મહામારીના આ સંકટ સાથે સૌથી મોટી સમસ્યા ઓક્સિજનની બની ગઈ છે. દર્દીઓ માટે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજનની અછતને કારણે દરરોજ હજારો લોકો મોતને ભેટી રહ્યા છે. બીજી તરફ સરકાર મોડે મોડે હરકતમાં આવી છે. સરકારે ચાર દિવસ પહેલાં જ ઉદ્યોગોને ઓક્સિજન આપવા પર પ્રતિબંધ લાદીને તે તમામ જથ્થો દર્દીઓ માટે ઉપયોગ કરવા આદેશ કર્યો હતો. જેને પગલે હવે થોડી રાહત થઈ છે. ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનમાં દર્દીઓને વિવિધ સમસ્ય સર્જાઈ રહી છે. ખાસ કરીને ફેફસામાં ઈન્ફેકશન અને ઓક્સિજન લેવલ ઘટી જવાની સમસ્યા મુખ્ય છે. પહેલા તબક્કામાં તાવ અને શરદી સુધી સીમીત રહેલી સમસ્યામાં વધારો થતાં જ તબીબી સારવારમાં પણ મુશ્કેલી પડી રહી છે. વળી, કોરોનાનો બીજી સ્ટ્રેઈન વધુ ઘાતક અને જોખમી હોવાથી તે સમગ્ર દેશમાં ઝડપભેર ફેલાઈ રહ્યો છે. છેલ્લાં પંદર દિવસથી ભારતમાં સરારેશ અઢી લાખ કેસ અને ગુજરાતમાં સરેરાશ 2500 કેસ કોરોનાના નોંધાતા રહ્યા છે. તેથી દર્દીઓની વધતી જતી સંખ્યા સામે આરોગ્ય સુવિધા ટાંચી પડી રહી છે.
ગુજરાતમાં પણ તાત્કાલિક સારવાર નહીં મળતા અનેક દર્દીના મોત થયાના કિસ્સા બહાર આવી રહ્યા છે. છેલ્લાં 3 દિવસમાં રાજકોટમાં 2, પોરબંદરમાં 2, જૂનાગઢમાં 7, જામનગરમાં 15, મોરબી-7, પાટણ-17 તથા હિંમ્મતનગરમાં 13 દર્દીના મોત આ કારણે થયા છે. જો કે, તંત્રએ ઓક્સિજનના અભાવે આટલા બધા દર્દીના મોતની વાત સ્વીકારી નથી. પરંતુ પરિવારજનોએ તેમની આંખ સમક્ષ સ્વજનને ઓક્સિજનના અભાવે શ્વાસ છોડતા જોયા છે. મળતા અહેવાલો પ્રમાણે રાજ્યના જુદા જુદા ભાગોમાં છેલ્લા ત્રણ દિવસમાં ૬૬ દર્દીઓના શ્વાસ ઓક્સિજન નહીં મળતાં થંભી ગયા છે.
દવા, ઈન્જેકશન બાદ ઓક્સિજનની અછતને કારણે દરરોજ હોસ્પિટલના સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ઓક્સિજન મેળવવા માટે હોસ્પિટલના સંચાલકોએ પોતાના વાહનો પ્લાન્ટ સુધી મોકલવા પડી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસમાં ઓક્સિજન નહીં મળવાના કારણે ૩૬ દર્દીના મોત થયા છે. જેમાં સૌથી વધુ જામનગરમાં ૧૫ મોત થયા છે. આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગરમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલના મળીને ૧૩ દર્દી ઓક્સિજન ન મળતાં મોતને ભેટ્યા છે. જ્યારે પાટણની ધારપુર હોસ્પિ.માં ઓક્સિજનને અભાવે દર્દીઓની સારવાર નહીં થઈ શકતાં ૧૭ દર્દીઓએ જીવ ગુમાવવાની નોબત આવી છે.