ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંપન્ન થયા બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. બુધવારે રાજ્યમાં આજે કોવિડ-19ના 675 કેસ નોંધાયા છે તથા 484 દર્દીઓ કોરોના સામેના જંગમાં જીતીને ડિસ્ચાર્જ થઈને ઘરે પહોંચ્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,67,250 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. રાજ્યમાં સાજા થવાનો રેસિયો 97.11 ટકાએ પહોંચ્યો છે. સતત એક અઠવાડિયાથી કોરોનાના કેસના ગ્રાફમાં વધારો નોંધાતો રહ્યો છે. બુધવારે ગુજરાતમાં કોરોનાના વધુ 675 કેસ નોંધાયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ. બુધવારે સાંજની સ્થિતિએ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3529 કેસ રહી હતી. જે પૈકી 47 દર્દીઓ વેન્ટીલેટર પર છે.
આમ દિવાળી બાદ સૌથી વધુ કેસ બુધવારે નોંધાયા હતા. જો કે, કોરોનાના કારણે એકપણ મૃત્યું નોંધાયું ન હતુ. મહત્વની વાત તો એ છે કે રાજ્યના મોટા મહાનગરોમાં જ સંક્રમણ વધવા માંડ્યું છે. બુધવારે અમદાવાદમાં 175 અને સુરતમાં 179 દર્દીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અન્ય શહેરો પૈકી વડોદરામાં 107 કેસ, રાજકોટમાં 79, ભરૂચ, ખેડામાં 15- 15 કેસ, કચ્છમાં 12, આણંદમાં 13, મહેસાણામાં 8 કેસ, પંચમહાલમાં 8, દાહોદમાં 7, ગાંધીનગરમાં 15 કેસ, સાબરકાંઠામાં 6, છોટાઉદેપુરમાં 5, જૂનાગઢમાં 8, અમરેલીમાં 4, જામનગરમાં 6 તથા મોરબીમાં 3 કેસ અને નર્મદામાં 3 કેસ મળી આવ્યા હતા. જયારે ભાવનગરમાં 19, પાટણમાં 2 કેસ, અરવલ્લી, દ્વારકા, તાપી, સુરેન્દ્રનગર, નવસારીમાં 1-1 કેસ નોંધાયો છે. બોટાદ, ડાંગ, પોરબંદર અને વલસાડ એમ કુલ 04 જિલ્લામાં કોરોનાનો કોઈ કેસ મળ્યો ન હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4418 લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 96,861 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 17,13,467 વ્યક્તિઓએ વેકસીનનો પ્રથમ ડોઝ અને 4,19,798 વ્યક્તિઓએ બીજો ડોઝ લીધો છે. 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 57,277 લોકોએ બુધવારે રસી મુકાવી હતી.