ગુજરાતમાં કોરોના વાયરસના આડેધડ સંક્રમણથી ભારે ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આઈપીએલની મેચ યોજવાની ઘેલછામાં ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંકડો શુક્રવારે ૧૪૧૫ ઉપર પહોંચી ગયો હતો. આ સાથે જ સમગ્ર રાજ્યમાં ગભરાટ ફેલાયો છે. શુક્રવારે સાંજ સુધીના વીતેલા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ચાર દર્દીના મોત નિપજ્યા હતા. સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ શુક્રવારે ગુજરાતમાં કોરોનાના કેસનો રાફડો ફાટયો હતો. સુરતમાં કોપોરેશનની હદમાં શુક્રવારે ૩૪૯, અમદાવાદ કોર્પોરેશનની હદમાં ૩૩૫, વડોદરામાં ૧૨૭, રાજકોટમાં ૧૧૫, સુરત ગ્રામ્યમાં ૧૦૧, ભાવનગર કોર્પોરેશનમાં ૩૨, મહેસાણામાં ૨૬ તથા ખેડામાં ૨૪ કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા.
આ ઉપરાંત પંચમહાલમાં ૨૦, વડોદરા ગ્રામ્યમાં ૧૯, ભરૂચમાં ૧૮, જામનગર કોર્પોરેશનની હદમાં ૧૮, સાબરકાંઠામાં ૧૮, કચ્છમાં ૧૭, રાજકોટ ગ્રામ્યમાં ૧૭, ગાંધીનગર કોર્પોરેશનની હદમાં ૧૫, નર્મદામાં ૧૫, છોટા ઉદેપુરમાં ૧૪, આણંદમાં ૧૨, દાહોદમાં ૧૨ તથા જુનાગઢ કોર્પોરેશનની હદમાં ૧૧ કેસ નોંધાયા હતા જયારે નવસારીમાં ૪, સુરેન્દ્રનગર ૪, વલસાડમાં ૪, અરવલ્લીમાં ૩, ગીર સોમનાથમાં ૩, પોરબંદરમાં ૩, ડાંગ , અમરેલી ૯, બનાસકાંઠા ૫, મોરબી ૫, ડાંગ, દેવભૂમિ દ્વારકા તથા તાપીમાં ૨-૨, જુનાગઢ ૧ કેસ મળ્યો હતો. આ સાથે જ શુક્રવારે સાંજ સુધીના ૨૪ કલાકમાં રાજ્યમાં વધુ ચાર દર્દીના મોત નોંધાયા હતા. ગુજરાતમાં આ પહેલાં સૌથી વધુ ૧૬૦૭ કેસ ૨૭મી નવેમ્બરના રોજ નોધાયા હતા. આજે સારવાર દરમિયાન ૯૪૮ દર્દી સાજા થતાં તેમને રજા આપી દેવાઈ હતી. રાજ્યમાં ૬૭ દર્દીઓને વેન્ટીલેટર પર રખાયા છે. જયારે ૬૦૮૦ દર્દીઓની હાલત સ્થિર હોવાનુ આરોગ્ય વિભાગે જણાવ્યું હતુ.