સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં રાજકીય નેતાઓએ કરેલા તાયફાઓનો ભોગ હવે આમજનતા બનવા માંડી છે. બુધવારે ગુજરાતમાં એક જ દિવસમાં અધધ 1122 કેસ કોરોના પોઝિટિવ તરીકે નોંધાયા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે એક સાથે આટલી બધા કેસ નોંધવાથી તંત્રની દોડધામ વધી ગઈ હતી. મંગળવારે કોરોનાને કારણે 3 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં સુરતમાં 353 કેસ નોંધાવા સાથે એકનું મોત, અમદાવાદમાં 271 કેસ નોંધાવા સાથે એકનું મોત થયું હતુ. જયારે વડોદરામાં 114, રાજકોટમાં 112, જામનગરમાં 19 કેસ, ભાવનગરમાં 20, ગાંધીનગરમાં 24, જૂનાગઢમાં 12 કેસ, ભરૂચમાં 21, મહેસાણામાં 19, ખેડામાં 18 કેસ, સાબરકાંઠામાં 10 કેસ તથા પંચમહાલમાં 18, કચ્છમાં 14, આણંદમાં 13 કેસ, દાહોદ અને નર્મદામાં 12-12 કેસ નોંધાયા હતા. એ જ રીતે જૂનાગઢમાં 9, અમરેલી, મહિસાગરમાં 8-8 કેસ, મોરબીમાં 8, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 4 કેસ, ગીર સોમનાથ, વલસાડમાં 4-4, પાટણમાં 2 કેસ, સુરેન્દ્રનગર, તાપીમાં 2, બોટાદમાં એક કેસ, ડાંગ, દ્વારકા, નવસારી, પોરબંદરમાં 1- 1 કેસ નોંધાયો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં બુધવારે સાંજની સ્થિતિએ 5310 એક્ટિવ કેસ હતા. તેમાંથી 61 લોકો વેન્ટીલેટર ઉપર છે, જ્યારે 5249 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે સાંજ સુધીના 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19માં સપડાયેલા 3 દર્દીના મોત નોંધાયા હતા. બીજી તરફ કોવિડ 19 રસીકરણ ઝુંબેશમાં મહાનગરોમાં રાત્રિના 9.30 વાગ્યા સુધી કોવિડ રસીકરણની કામગીરી કરવાનો નિર્ણય કરાયો હતો. બુધવારે રાજ્યમાં કુલ 67,734 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 22,71,145 વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ અને 5,54,662 વ્યક્તિને રસીનો બીજો ડોઝ અપાયો છે. બુધવારે 775 દર્દીઓ કોરોનામાંથી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.