ગુજરાતમા કોરોનાના ધીમે પગલે વધી રહેલા કેસને કારણ સરકારની ચિંતા ફરી વધી રહી છે. ત્યાં રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓને ફરી ધમધમતી કરવાની દીશામાં કવાયત થઈ રહી છે.
હાલ ધો. 6થી 9ના વર્ગો પણ શરૃ કરી દેવાયા છે. હવે પરીક્ષાના કાર્યક્રમો ગોઠવવા પણ શાળાઓને સુચના આપી દેવાઈ છે. દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં શૈક્ષણિક પ્રવૃતિ કેલેન્ડર તૈયાર કરીને શાળાઓને મોકલી આપવામાં આવે છે, જેમાં વિવિધ પરીક્ષાઓની વિગતો અંગે જાણકારી અપાય છે. પરંતુ કોવિડ 19ને કારણે આ વખતે શાળા બંઘ રાખવાની નોબત આવી હતી. જેથી શિક્ષણ બોર્ડે પરીક્ષાની તારીખો બાબતે સરકાર સાથે સતત ચર્ચા વિચારણા કરી હાલ પરીક્ષાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. ધોરણ 9થી 12ની શાળાકીય પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલી રૃપરેખા મુજબ તૈયાર કરાશે. ચાલેલો અભ્યાસક્રમ અને બોર્ડ નક્કી કરેલા અભ્યાસક્રમના આધારે શાળા કક્ષાએ જ પ્રશ્નપત્રો તૈયાર કરવાની છુટ અપાઈ છે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે ધોરણ. 9 અને 11ની વાર્ષિક પરીક્ષા તેમજ ધો.10 અને 12ની શાળા કક્ષાએ લેવાતી પ્રથમ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. શિક્ષણ બોર્ડે જાહેર કરેલી તારીખો પ્રમાણે આગામી 7મી જૂનથી ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષા શરૂ થશે. આ પરીક્ષા આગામી 15 જૂન સુધી ચાલે તેવું આયોજન છે. એવી જ રીતે ધો.10 અને 12ની પ્રથમ પરીક્ષા 19 માર્ચથી 27 માર્ચ દરમિયાન લેવાશે. ધો.10-12માં 20 ગુણનું આંતરિક મુલ્યાંકન પ્રથમ પરીક્ષાના આધારે જ કરવાની સ્પષ્ટતા કરાઈ છે.