ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ભાજપ કોંગ્રેસે કવાયત શરૃ કરી દીધી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ચૂંટણીલક્ષી કમિટીઓની રચના બાદ હવે રણનીતિ ઘડવા માંડી છે. કોંગ્રેસે હાલ ચૂંટણીમાં હારેલા મોટાભાગના સિનિયરોને જ જવાબદારી સોંપી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુરુવારે મોડી સાંજે કોંગ્રેસ હાઈકમાન્ડે કો-ઓર્ડિનેશન કમિટીમાં ૨૫ હોદ્દેદારોને સ્થાન આપ્યાની જાહેરાત કરી હતી. કો-ઓર્ડિનેશન કમિટીમાં નવ વર્તમાન કોંગ્રેસના ધારાસભ્યો પણ રહેશે. આ સમિતિના ચેરમેન પદે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની પસંદગી કરાઈ હતી. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, તમામ કમિટીના ચેરમેનને પણ કમિટિમાં સ્થાન અપાયું છે. કો- ઓર્ડિનેશન કમિટીમાં પૂર્વ પ્રદેશ પ્રમુખના ખાસ મનાતા વડોદરાના એક વિવાદાસ્પદ આગેવાનની પસંદગી કરાતા વિવાદના એંધાણ પણ છે.
એઆઈસીસીએ વિવિધ કમિટીમાં કેમ્પઈન કમિટીના ચેરમેન તરીકે પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની નિમણૂક કરી હતી. આ સાથે જ ચૂંટણી ઢંઢેરા કમિટીના ચેરમેન પદે દીપક બાબરિયા, સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન તરીકે પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન પદે સિદ્ધાર્થ પટેલ, મીડિયા એન્ડ પબ્લિસિટી કમિટીના ચેરમેન પદે ડો. તુષાર ચૌધરી અને યોજના અમલીકરણ કમિટીના ચેરમેન તરીકે કદીર પીરઝાદાની નિયુક્તિ કરાઈ હતી.