ગુજરાતમાં હોળી પહેલા જ ગરમીએ કહેર મચાવવો શરૂ કરી દીધો હતો. જોકે, 5-6 દિવસની રાહત બાદ ફરી એકવાર ગરમી પોતાનું વલણ બતાવવાની તૈયારીમાં છે. હિટવેવને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યમાં તીવ્ર ગરમીની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યનું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 28મી માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગરમ અને સૂકી હવાના કારણે તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જણાવી દઈએ કે શનિવારે 41.7 ડિગ્રી તાપમાન સાથે ભુજ અને સુરેન્દ્રનગર રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા હતા. અમદાવાદમાં તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન, તે સામાન્યથી 5 ડિગ્રી વધીને 41.2 ડિગ્રી થયું હતું.
આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની શકયતાના કારણે લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. જો કે ગરમીના કારણે મોટાભાગના લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં ગરમી પોતાનું વલણ બતાવશે. આ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉનાળાનો પારો 41 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.