સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થતા જ કોરોનાએ ફરી માથું ઉચક્યું હોય તેમ ગુજરાતમાં પાંચ દિવસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. રવિવારે રાજ્યમાં એકસાથે 810 કેસ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. 2021માં અત્યાર સુધીમાં કોરોનાના નોંધાયેલા આ કેસ સૌથી વધુ છે. જયારે આ જ સમયગાળામાં કોરોનાને કારણે બે દર્દીના મોત થયા હતા. રવિવારે સાંજની સ્થિતિએ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4422 થઈ ગઈ હતી. તેમાંથી 54 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 4368 લોકોની હાલત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતુ. ગુજરાતમાં રવિવારે કોરોનાએ કેર વર્તાવવાનું શરૃ કર્યુ હોય તેમ નવા 810 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં 165 કેસ નોંધાવા સાથે એકનું મોત થયું હતુ. આ ઉપરાંત ખેડામાં નવા 17 કેસ મળવા સાથે એક દર્દીએ જીવ ગુમાવ્યો હતો. જયારે સુરતમાં કોરોનાના નવા 241, વડોદરામાં 117, રાજકોટમાં 70 કેસ, ભાવનગરમાં 29, ગાંધીનગરમાં 16, જામનગરમાં 6, જૂનાગઢમાં 5, મહેસાણામાં 18, પંચમહાલમાં 17 તથા આણંદ – મોરબીમાં 13–13 કેસ મળ્યા હતા. આ ઉપરાંત દાહોદ–પાટણમાં 10–10 કેસ, સાબરકાંઠામાં 9, અમરેલી–ગીરસોમનાથમાં 5 – 5 કેસ, ભરૂચમાં 8, કચ્છમાં 7 કેસ, છોટાઉદેપુરમાં 6, મહિસાગર–નવસારીમાં 5–5, બનાસકાંઠામાં 3 કેસ, વલસાડમાં 3, દ્વારકા–નર્મદામાં 2–2, અરવલ્લી, સુરેન્દ્રનગર, તાપીમાં 1–1 કેસ નોંધાયા હોવાના અહેવાલો છે. બોટાદ, ડાંગ, જામનગર અને પોરબંદરમાં કોરોનાનો કોઈ દર્દી મળ્યો ન હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 4424 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં રવિવારે કોવિડ 19ના કારણે કુલ 2 લોકોના મોત થયા, જેમાં અમદાવાદ અને ખેડામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું હતુ.
રવિવારે 586 દર્દીઓ સાજા થતાં તે તમામને હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. જો કે, રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો ઘટીને 96.82 ટકાએ પહોંચતા આરોગ્ય વિભાગે ચિંતા વ્યક્ત કરી હતી. બીજી તરફ રાજ્યમાં કોરોના સામેના જંગમાં રસીકરણ ઝુંબેશ યથાવત રહી હતી. રવિવારે કુલ 57,914 વ્યક્તિઓને રસી મુકવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં કુલ 19,77,802 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જયારે 5,00,635 લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. રવિવારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 42,849 વ્યક્તિઓને રસી અપાઈ હતી.